ગુજરાતના ખેડૂતો માટે સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યમાં રાયડો પકવતા ખેડૂતોમિત્રો પાસેથી ભારત સરકાર દ્વારા પીએસએસ ગાઇડલાઈન મુજબ રૂ. ૫૪૫૦ પ્રતિક્વિન્ટલ ટેકાના ભાવે ખરીદી કરવાની હોઈ રાજ્યના અનેક ખેડૂતોએ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. રજીસ્ટ્રેશન કરાવેલુ હોય તેવા ખેડૂતો પાસેથી હાલમાં ટેકાના ભાવે રાયડાની ખરીદી ચાલુ છે, જે આગામી તા.૭મી જૂન, ૨૦૨૩ સુધી ચાલશે, તેમ ખેતી નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.
વધુમાં જણાવ્યા અનુસાર, ટેકાના ભાવે ખરીદી માટે અગાઉ રજીસ્ટ્રેશન ન કરાવેલું હોય તેવા ખેડૂતમિત્રો રાયડો ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા હોય તો ગુજકોમાસોલ દ્વારા નિયત કરેલા જે તે ખરીદ કેન્દ્ર ઉપર સ્પોટ રજીસ્ટ્રેશન કરી ખેડૂતો ખરીદ મુજબ પોતાના રાયડાનો જથ્થો વેચાણ કરી શકશે.
રાયડાનો હાલનો બજાર ભાવ રૂ. ૫૦૩૨ પ્રતિક્વિન્ટલ ચાલી રહ્યો છે, જે ટેકાના ભાવ કરતા રૂ. ૪૧૮ પ્રતિક્વિન્ટલ ઓછો છે. આથી ખેતી નિયામક દ્વારા રાયડો પકવતા ખેડૂતોને ટેકાના ભાવની ખરીદીમાં વધુમાં વધુ ભાગ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.