રાજ્યમાં 2024 સુધીમાં શહેરોમાં 8.61 અને ગ્રામ્યમાં 4.49 લાખ આવાસો બનાવાશે
પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઇને ગુજરાત સરકારે મહત્વની જાહેરાત કરી છે. ગુજરાત સરકારે જાહેરાત કરતા જણાવ્યું કે, ’ગુજરાતમાં શહેરી વિસ્તારમાં 8.61 લાખ મકાન અને ગ્રામીણ વિસ્તારમાં 4.49 લાખ મકાન બનશે. 2024 સુધીમાં પાકા સુવિધાયુક્ત મકાન આપવાનું સરકારનું આયોજન છે.’ એ માટે કેન્દ્ર સરકારે આવસ માટેના બજેટમાં રૂપિયા 48 હજાર કરોડની જોગવાઈ કરી હતી.
રાજ્યમાં શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારમાં કુલ 9.76 લાખથી વધુ નવા આવાસ તૈયાર કરીને ઘરવિહોણા નાગરિકોને ઘર અપાયા છે. મધ્યમ વર્ગના તમામને ઘર ઉપલબ્ધ કરાવવાના હેતુથી ગુજરાતમાં પીએમ આવાસ યોજના અંતર્ગત શહેરી વિસ્તારમાં કુલ 8.61 લાખ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં કુલ 4.49 લાખ નવીન આવાસ નિર્માણનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે જેને પૂર્ણ કરવા યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે.
ગુજરાત સહિત સમગ્ર ભારતમાં પીએમ આવાસ યોજના હેઠળ જરૂરિયાત મંદોને પોતાનું નવું સરનામું આપવાના હેતુથી અત્યાર સુધીમાં કુલ 3.10 કરોડથી સૌથી વધુ નવીન આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આગામી એક વર્ષમાં વધુ 80 લાખ નવા ઘર બનાવવાનું લક્ષ્યાંક કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જેને સાકાર કરવા કેન્દ્ર દ્વારા ચાલુ વર્ષે બજેટમાં રૂ. 48 હજાર કરોડથી માતબર રકમની પણ જોગવાઈ કરવામાં આવી છે. આ લક્ષ્યાંકને મૂર્તિમંત કરવા પીએમ આવાસ યોજનાને આગામી માર્ચ 2024 સુધી ચાલુ રાખવાનું પણ કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં કુલ 6.24 લાખ આવાસોની કામગીરી પૂર્ણ કરવામાં આવી
જ્યારે ક્રેડિટ લિંક સબસિડી ઘટક હેઠળ શહેરી વિસ્તારોમાં 60 ચો.મી સુધીના પ્રથમ આવાસ માટે લેવામાં આવેલી લોન પર રૂ. 2.67 સુધીની વ્યાજ સહાય આપવામાં આવી રહી છે. આ ઘટક અંતર્ગત કુલ 4.45 લાખથી વધારે લાભાર્થીઓને રૂ. 10,200 કરોડની વ્યાજ સહાયનો લાભ આપી ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીમાં પ્રથમ ક્રમાંક ધરાવે છે.આમ, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતમાં આ ચાર ઘટકમાં મંજૂર કુલ 8.61 લાખ આવાસ પૈકી 6.24 લાખ આવાસોની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે જ્યારે બાકીના આવાસો વિવિધ તબક્કે પ્રગતિ હેઠળ છે.