- પાંચ એસીપી, 12 પીઆઈ, 50 પીએસઆઈની સાથે 770 કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાશે
આવતીકાલે રાજકોટ સહીત સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીનો જનાદેશ ઇવીએમમાંથી બહાર આવનાર છે. એનડીએના 400+ના દાવા સામે ઇન્ડિયા ગઠબંધન આ વખતે સરકાર રચવાનો દાવો કરી રહી છે. ત્યારે ખરેખર પ્રજાએ કોને જનાદેશ આપ્યો છે તેનો નિર્ણય આવતીકાલે જાહેર થનાર છે. ત્યારે આવતીકાલે રાજકોટ લોકસભા બેઠકની મતગણતરી કણકોટ સ્થિત ગવર્મેન્ટ એન્જીનીયરીંગ કોલેજ ખાતે થવા જઈ રહી છે જેના પગલે શહેર પોલીસ દ્વારા મત ગણતરી કેન્દ્ર ખાતે લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે. જેમાં ત્રણ આઈપીએસના નેતૃત્વમાં 64 અધિકારીઓ અને 770 પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાશે.
પ્રાપ્ત વિગત અનુસાર આવતીકાલે ગવર્મેન્ટ એન્જીનીયરીંગ કોલેજ ખાતે આવતીકાલે સવારે 5 વાગ્યે રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા શરૂ થઇ જનાર છે જે બાદ પ્રથમ બેલેટ પેપરની ગણતરી અને ત્યારબાદ વિધાનસભા વાઈઝ ઈવીએમમાંથી મતની ગણતરી શરૂ થનારી છે. રાજકોટ લોકસભા બેઠક પર મુખ્યત્વે ભાજપના પરસોતમભાઈ રૂપાલા અને કોંગ્રેસના પરેશભાઈ ધાનાણી સામે ચૂંટણી જંગ ખેલાયો છે. ત્યારે આ રસપ્રદ બનેલી ચૂંટણીનો આવતીકાલે પરિણામ આવનાર છે. ત્યારે આ મતગણતરી અનુસંધાને આવતીકાલે શહેર પોલીસ દ્વારા આખેઆખો બંદોબસ્તનો પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે.
બંદોબસ્તના પ્લાનની જો વાત કરવામાં આવે તો આખેઆખા બંદોબસ્તનું નિરીક્ષણ એડિશનલ પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા કરનાર છે. ડીસીપી ઝોન-2 જગદીશ બંગરવા મતગણતરી સ્થળનું બંદોબસ્ત સુપરવિઝન કરનાર છે અને ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ ટ્રાફિક બંદોબસ્તનું સુપરવિઝન કરશે.
આ ત્રણેય આઈપીએસના સુપરવિઝન હેઠળ મતગણતરી સ્થળ પર 4 એસીપી, 10 પીઆઈ, 40 પીએસઆઈ, 450 પોલીસ કર્મચારીઓ, 40 એસઆરપી જવાનો, 20 સીપીએએમએફના જવાનો બંદોબસ્તમાં સતત ખડેપગે રહેશે.
આ ઉપરાંત ટ્રાફિક બંદોબસ્ત માટે ડીસીપીના સુપરવિઝન હેઠળ 1 એસીપી, 2 પીઆઈ, 10 પીએસઆઈ, 96 પોલીસ કર્મચારીઓ, 132 ટીઆરબી જવાન અને 32 જેટલાં હોમગાર્ડના જવાનો ખડેપગે રહેશે. મતગણતરી અનુસંધાને કણકોટ એન્જીનીયરીંગ કોલેજ રોડ પર પ્રવેશબંધી
ઘોડાધાર મંદિરથી પાટીદાર ચોક સુધીનો રસ્તો 4 જૂને બંધ રહેશે: વૈકલ્પિક રૂટજાહેર કરાયા
મતગણતરી અનુસંધાને કણકોટ એન્જિનિયરિંગ કોલેજ ખાતેના રોડ પર પ્રવેશબંધી જાહેર કરવામાં આવી છે. પોલીસ કમિશનર દ્વારા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ સહિતના માર્ગ પર તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધી જાહેર કરવામાં આવી છે. ઉપરાંત વૈકલ્પિક રૂટ પણ શહેર પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ સામેથી નીકળતો રસ્તો સવારના 5:00 વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી તમામ પ્રકારના વાહનો માટે બંધ કરી દેવામાં આવશે. ઘોડાધાર મંદિરથી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ અને પાટીદાર ચોક સુધીના રસ્તે તમામ પ્રકારના વાહનો માટે નો એન્ટ્રી ફરમાવાઈ છે. ઉપરાંત આદ્યશક્તિ ટી સ્ટોલથી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજથી પાટીદાર ચોક સુધીનો રસ્તો ભારે વાહનો માટે પણ બંધ રહેનાર છે. ઘોડાધાર મંદિર ચોક થી સીટી લાઈટ પાર્ટી પ્લોટ સુધીનો રોડ બંને સાઈડનો પાર્કિંગ જાહેર કરવામાં આવ્યો છે. આ રસ્તાઓ બંધ રહેતા વૈકલ્પિક રૂટ તરીકે ઘોડાધાર મંદિર થી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ અને પાટીદારે ચોક તરફ જવા માટે કણકોટ રોડથી કાલાવડ રોડ કોસ્મો ચોકડી થી નવા 150 ફૂટ રિંગ રોડ પર થઈને પાટીદાર ચોક સુધી જઈ શકાશે.
મતગણતરી સ્થળ પર મોબાઈલથી માંડી નશાકારક ચીજ વસ્તુઓ પ્રતિબંધિત
મતગણતરી કેન્દ્ર પર અનેક ચીજ વસ્તુઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેમાં મોબાઈલ, કોમ્યુનિકેશન સાધનો, સ્માર્ટ વોચ, બીડી – સિગરેટ તેમજ ધુમ્રપાનની તમામ નશાકારક ચીજ વસ્તુઓ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જો કોઈ અનઅધિકૃત વ્યક્તિ આ સાધનો સાથે ઝડપાશે તો તેમના વિરુદ્ધ કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવશે.
મતગણતરી કેન્દ્ર પાસેના પાર્કિંગની અલાયદી વ્યવસ્થા
બાલવી ગેરેજની પાછળના ખુલ્લા ગ્રાઉન્ડ તથા સામેના ગ્રાઉન્ડમાં ટુ વ્હીલર તથા ફોરવીલર વાહનો પાર્ક કરી શકાશે. ઉપરાંત જે કે હોસ્ટેલની આજુબાજુ તથા પાછળની સાઈડમાં આવેલા ગ્રાઉન્ડમાં પણ વાહનો પાર્ક કરી શકાશે. આ ઉપરાંત પાટીદાર ચોથી આગળ જતા ફિલ્ડ માર્શલ વાડીના ગ્રાઉન્ડમાં વાહન પાર્ક કરી શકાશે.