ભારતીય જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાએ મોટા આતંકી ષડયંત્રને નિષ્ફળ બનાવી દીધુ છે. શ્રીનગર-બારામૂલા હાઈવે પર આતંકવાદીઓએ આઈઇડી બોમ્બ લગાવેલો હતો તેને રિકવર કરીને ડિફ્યુઝ કરી દેવામાં આવ્યો છે. ભારતીય સેનાની ચિનાર કોપ્ર્સે સોશિયલ મીડિયા પર આઈઇડી રિકવર કરીને તેને ડિફ્યુઝ કરી દેવાની જાણકારી આપી છે.
સેનાએ આતંકીઓના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું : શ્રીનગર-બારામુલ્લા હાઈવે પર મુકાયેલ બોમ્બને સેનાએ ડિફ્યુઝ કર્યો
ચિનાર કોપ્ર્સે જણાવ્યું કે, શ્રીનગર-બારામુલ્લા હાઈવે પર લવાયપુરા નજીક આઈઇડી મળી આવ્યો છે. ચિનાર કોપ્ર્સના જવાનો અને જમ્મુ-કાશ્મીર પોલીસે તેને રિકવર કરીને લવાયપુરામાં જ ડિફ્યૂઝ કરી નાખીને મોટી આતંકવાદી ઘટનાના ષડયંત્રને નિષ્ફળ બનાવી દીધુ છે. હાલના દિવસોમાં આતંકવાદીઓએ સેનાને નિશાન બનાવવા માટે હાઇવે અને રસ્તાઓ પર ઓચિંતો હુમલો કરીને આઈઇડી લગાવવાનું શરૂ કર્યું છે. ઘાટીમાં શિયાળાના આગમનની સાથે જ આતંકવાદીઓ ફરી એક વખત એક્ટિવ થઈ ગયા છે.
અધિકારીઓએ જણાવ્યું કે આ પછી બોમ્બ ડિસ્પોઝલ યુનિટને જાણ કરવામાં આવી અને તે ઘટનાસ્થળે પહોંચી ગઈ. બોમ્બ સ્કવોડે આઈઇડીનો નિયંત્રિત વિસ્ફોટ કરીને મોટી દુર્ઘટનાને અટકાવી હતી. રોડ પર ફરી એકવાર વાહનવ્યવહાર પૂર્વવત થયો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ નવેમ્બરની શરૂઆતમાં, જમ્મુ અને કાશ્મીર પોલીસને જમ્મુના નરવાલ-સિધ્રા હાઈવે પર ટિફિન બોક્સની અંદર 2 કિલો વજનનું ટાઈમર આધારિત આઈઈડી મળી આવ્યું હતું.
અધિકારીઓને સાંજના 5.30 વાગ્યે પોલીસ ચોકી પાસે રોડ પર એક શંકાસ્પદ વસ્તુ પડી હોવાની માહિતી મળી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સાથે પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બોમ્બને ત્યાંથી દૂર કરવામાં આવ્યો હતો.