રાજ્ય સરકાર વિધાનસભા સત્રમાં લાવશે બિલ
કાર્ડમાં પરિવારના તમામ સભ્યોનો ડેટા હશે, 8 ડિજિટનો પરિવાર આઈડી અપાશે, વિવિધ સર્ટિફિકેટ માટે થઈ રહેલી સમસ્યા અને સરકારની યોજનાઓના લાભમાં થતા વિલંબને નિવરવા કાર્ડ ઉપયોગી સાબિત થશે
રાજ્ય સરકાર આગામી વિધાનસભા સત્રમાં પરિવાર દીઠ એક ઓળખ આપવા માટે ખાસ કાર્ડ બનાવવા માટેનું બિલ મુકવાનું છે. આ બિલ પાસ થઈ જતા રાજ્યના દરેક પરિવારોને એક ઓળખ કાર્ડ આપવામાં આવશે. જેમાં પરિવારના તમામ સભ્યોનો ડેટા હશે.
ગુજરાતમાં આગામી સમયમાં પરિવાર ઓળખ માટે ખાસ કાર્ડ બનાવવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર વિધાનસભા સત્રમાં આ અંગેનું બિલ લાવવા જઇ રહી છે. ધ ફેમેલી આઈડી એક્ટ ગુજરાત વિધાનસભા સત્રમાં મુકવામાં આવશે. તમામ પરિવાર માટે ખાસ ઓળખ પત્ર બનાવવાની એકટમાં જોગવાઈ રાખવામાં આવશે. આ કાર્ડની વિશેષતામાં તેમા પરિવારના તમામ સભ્યોનો ડેટા હશે. 8 ડિઝિટનો પરિવાર આઈડી આપવામાં આવશે. જેના દ્વારા પરિવારના સભ્યોની ઓળખ મળી રહેશે. આ બિલનો મુખ્ય ઉદ્દેશ લોકોને અલગ અલગ સમય વિવિધ સર્ટિફિકેટ માટે થઈ રહેલી સમસ્યા નિવારવાનું છે. આ સાથે સરકારી યોજનાના લાભ આપવામાં સરળતા લાવવાનો છે.
ગુજરાત સરકાર દ્વારા આગામી સમયમાં જે પરિવારની ઓળખ માટેનું કાર્ડ આપવામાં આવશે તેનાથી અનેક ફાયદા લોકોને થશે. આ કૌટુંબિક આઈડીને જન્મ, મૃત્યુ અને લગ્નના રેકોર્ડ્સ સાથે લિંક કરવામાં આવશે. કૌટુંબિક આઈડી વિવિધ યોજનાઓ જેવી કે શિષ્યવૃત્તિ, સબસિડી અને પેન્શનને લિંક કરશે. જેથી સુસંગતતા અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરી શકાય તેમજ વિવિધ યોજનાઓ, સબસિડી અને પેન્શનના લાભાર્થીઓને સરળતા રહે. એકવાર પરિવારોનો ડેટાબેઝ તૈયાર થઈ જાય, પછી પરિવારો દરેક વ્યક્તિગત યોજનાઓ હેઠળના લાભો મેળવી શકશે.
એકવાર પરિવારોનો ડેટાબેઝ તૈયાર થઈ જાય પછી, પરિવારોએ દરેક વ્યક્તિગત યોજના હેઠળ લાભ મેળવવા માટે અરજી કરવાની જરૂર નથી. વધુમાં એકવાર પીઓપી ડેટાબેઝમાં ડેટા અપલોડ થયા પછી લાભાર્થી દ્વારા કોઈ વધુ દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર રહેશે નહીં તે પ્રકારની જોગવાઈ એકટમાં હોવાની શક્યતા છે.
હરિયાણા અને કેરળમાં આ વ્યવસ્થા અમલી
આ પ્રકારનું કાર્ડ અગાઉ હરિયાણા અને કેરળમાં લાગુ કરવામાં આવ્યુ છે. ત્યારે હવે ભારતના ત્રીજા રાજ્ય ગુજરાતમાં પણ આ યોજના લાગુ કરવામાં આવશે. હરિયાણા અને કેરળમાં આ વ્યવસ્થાથી ઘણી સરળતા રહી હોય તે જોતા ગુજરાત સરકારે પણ આ વ્યવસ્થાની અમલવારી કરવા તૈયારી દર્શાવી છે.