કાલાવડ રોડ ઉપર પ્રેમ મંદિર સામેના મ.ન.પા.ના બગીચામાં ચામાચીડિયાઓનું ઝુંડ: લોકોમાં કૌતુક
‘ચામાચીડિયા’ એ શબ્દ સાંભળતા જ ચીતરી ચડા સાથોસાથ ભયનું લખલખુ શરીરમાંથી પસાર થઈ જાય. એમાં પણ કોરોનાની મહામારી પછીતો ચામાચીડિયા વાયરસની ફેકટરી હોવાની ફેલાયેલી માન્યતાને કારણે ચામાચીડિયા પ્રત્યેની લોકોની સૂગ વધુ વ્યાપક બની છે. આવા સંજોગોમાં આપણા શહેર રાજકોટમાં અમુક ચોકકસ સ્થળોએ ચામાચીડિયાઓની વસાહતની આખી કોલોની વસી હોય તેમ ચામાચીડિયાના ઝુંડ જોવા મળે છે. પણ ઘણા ખરા શહેરીજનો આ જાતથી અજાણ છે.
રાજકોટના રાજપથ એવા કાલાવડ રોડ ઉપર પ્રેમ મંદિર સામે આવેલા વીર શહીદ ચંદ્રશેખર આઝાદ ઉધાનમાં વોંકળા પાસેની કમ્પાઉન્ડ વોલ આસપાસ જે મોટા વૃક્ષો આવેલા છે. તેની ઉપર છેલ્લા ઘણા સમયથી એક બે નહીં પરંતુ અનેક ચામાચીડિયાઓનાં ઝુંડ વિસ્તરી રહ્યા છે. બગીચાના અડધો ડઝન જેટલા વૃક્ષો ઉપર જાણે કે ચામાચીડિયા કોલોની વિકસી હોય તેમ દિવસના સમયે સંખ્યાબંધ, ચામાચીડિયા ઉંધા લટકતા જોવા મળ છે. આ સ્થળે ચામાચીડિયાના ઝુંડ જોવા મળ છે. તેની વસ્તી અહી વધતી જાય છે. તેની સાથે સાથ ચામાચીડિયા એક પછી એક વધુને વધુ વૃક્ષો ઉપર કબ્જો જમાવતા જાય છે.
આ ચામાચીડિયા બગીચાના જે વૃક્ષો ઉપર ઉંધા લટકતા જોવા મળે છે. તે વૃક્ષોની નીચે વોકીંગ ટ્રેક નીકળે છે. એટલે સવારે અને સાંજના સમયે આ સ્થળે જે લોકો ચાલવા આવે છે તેને ચામાચીડીયાઓનાં ઝુંડના ઝુંડ અહી જોવા મળે છે. ખાસ કરીને સવારનાં સમયે તો આ ચામાચીડીયાઓ ચીચીયારી ભર્યો અવાજ કરે છે તે કર્કશ અવાજોથી બગીચાનો એ વિસ્તાર ગાજી ઉઠે છે. આ સ્થળે લાઈટીંગ પ્રમાણમાં ઓછુ છે અને વળી ઘટાદાર વૃક્ષોનાં કારણે આ એરીયામાં અંધારૂ રહે છે. તેમાં ચામાચીડિયા ચીચીયારી કરે એટલે વાતાવરણ બિહામણૂં બની જાય છે. ચામાચીડિયાનાં ચરકની બદબુ પણ આ સ્થળે આવતી રહે છે. છતાં એકાંત માણવા ઈચ્છુક કોલેજીયન છોકરા-છોકરીઓ અને યુગલો આ ચામાચીડીયા વસાહત નીચે મૂકાયેલા બાકડા ઉપર બેઠેલા જોવા મળે છે.
આ બગીચામાં ચામાચીડિયા ઉપરાંત બીજા જાતજાતનાં સેંકડો પક્ષીઓનો વસવાટ છે. તેમાં સંપૂર્ણ સફેદ રંગના બગલા જેવા પક્ષીઓ વિશેષ જોવા મળે છે. બગીચાના ઘણા ઘટાદાર ઉંચા વૃક્ષો ઉપર આ સફેદ પક્ષીઓના માળા છે. પરંતુ આ બગીચામાં ચામાચીડિયાઓની એન્ટ્રી થયા પછી ઘણા વૃક્ષો ઉપર જાણે કે ચામાચીડિયાઓએ કબજો જમાવ્યો હોયતેમ તેની વસ્તી વધતી જાય છે.
આ સ્થળે ચામાચીડિયા ઘણા સમયથી જોવા મળે છે. પરંતુ કોરોનાની મહામારી પછી પરિસ્થિતિ પલ્ટાઈ છે અને ચામાચીડિયા વાયરસની હરતી ફરતી ફેકટરી હોવાનું કહેવાય છે ત્યારે મ્યુ. કોર્પો.ના તંત્રવાહકોએ આ ચામાચીડીયા વસાહત તરફ દૂર્લક્ષ સેવવાની લેશમાત્ર જરૂર નથી. મ્યુ. કોર્પો.ના તંત્ર વાહકોએ પક્ષીઓ અને ખાસ તો ચામાચીડીયાઓથી જાણકાર એવા પક્ષીવિદોને સાથે રાખી આ ચામાચીડિયા વસાહતને ‘અંડર ઓબ્ઝર્વેશન’ રાખવાની જરૂર છે. આ સ્થળે સેંકડો શહેરીજનોની અવર જવર રહે છે. ઘણા લોકો ચાલવા, દોડવા અને હળવી કસરત કરવા આ બગીચામાં આવે છે.ત્યારે આ ચામાચીડીયાઓથી ફેલાતા વાયરસથી અસરગ્રસ્ત થાય તેમ નથી તે વિષે પણ તપાસ કરવાની જરૂર છે. આ ચામાચીડિયા વસાહતને સંપૂર્ણ નજર અંદાજ કરવા જેથી નથી તેમ જાણકારોનું કહેવું છે.
સામાન્ય રીતે ચામાચીડિયા માનવ વસાહતથી દૂર એવા નિર્જસ સ્થળોમાં આંબલી પીપળો જેવા વૃક્ષો કે અંધારી ગુફા જેવા સ્થળોમાં જ જોવા મળે છે. પરંતુ રાજકોટમાં રોજ હજારો વાહનોની જયાં અવરજવર રહે છે તે કાલાવડ રોડ ઉપર સેંકડો શહેરીજનોની અવરજવર વાળા બગીચામાં જે રીતે ચામાચીડિયાઓની વસ્તી વધી રહી છે. તેનાથી કૌતુક સર્જાયું છે.