નકલી નોટ સાથે બાયર અને સેલરનો ખુદ ગબ્બર પોલીસ હવાલતમાં જસદણ: પ00 ના દરની ડુપ્લીકેટ નોટ વટાવવા જતા રાજકોટનો યુવાન પકડાયો
એસ.ઓ.જી. ના પી.આઇ. કે.બી. જાડેજા અને પી.એસ.આઇ ભાનુભાઇ મહેતા અને ટીમે દેશના અર્થતંત્રની ખોખલુ કરવાના કૌભાંડનો કર્યો પર્દાફાશ
રાજકોટનો શખ્સ જસદણ ખાતે નકલી નોટ વટાવવા આવ્યો હોવાની માહીતીના આધારે રૂરલ એસ.ઓ.જી.એ રાજકોટના શખ્સને ઝડપી લઇ પ00 ના દરની 30 જાલી નોટ મળી આવતા પુછપરછમાં પોતાના મકાનમાં 1 વર્ષથી નોટ છાપતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે તેના ઘરેથી વધુ ર000 ના અને પ00 ના દરની રૂ. 3.44 લાખની ડુપ્લીકેટ નો કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ચલણમાં નકલી નોટના અનુસંધાને અર્થતંત્રને ખોખલુ કરતું હોવાની રાજકોટ જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડને ઘ્યાને આપવતા અને કડક હાથે ડામી દેવા આપેલી સુચનાને પગલે એસ.ઓ.જી. પી.આઇ. કે.બી. જાડેજા સહીતના સ્ટાફે જસદણ પંથકમાં પેટ્રોલીંગ હાથ ધર્યુ હતું.
રાજકોટ શહેરના કુવાડવા રોડ પર ડી માર્ટ મોલની સામે રહેતો વિશાલ ઉમેશ પડીયા નામનો શખ્સ નકલી નોટ વટાવવા આવતો હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે ગઠડીયા ચોકડી પાસે પીએસઆઇ બી.સી. મિયાત્રા સહિતના સ્ટાફે ગોઠવેલી વોચ દરમ્યાન નીકળેલા એકિટીવાને અટકાવી તલાસી લેતા તેના કબ્જામાંથી 500 ના દરની 30 નોટ મળી આવી હતી.
ત્યારબાદ એસઓજીએ તેની વિશેષ પૂછપરછ કરતાં તેણે પોતે જ આ જાલીનોટો છાપ્યાની કબૂલાત આપી હતી. જેના આધારે એસઓજીએ આજે સાંજે તેના મકાનમાં દરોડો પાડી ત્યાંથી રૂા. 2000ના દરની 160 અને રૂા. 500ના દરની 18 જાલીનોટ કબ્જે કરી હતી.
મકાનમાંથી જાલીનોટ છાપવા માટે ઉપયોગમાં લેવાતું કોમ્પ્યુટર, પ્રિન્ટર, સ્કેનર, કાગળ કાપવા માટેનું મશીન, નોટ ગણવા માટેનું મશીન, કાગળો સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતી.એસઓજીની તપાસમાં ખુલ્યા પ્રમાણે વિશાલે ડિપ્લોમા એન્જિનિયરીંગનો અભ્યાસ મોરબીની એલ.ઇ. કોલેજમાંથી કર્યો હતો. હાલમાં તે રાજકોટની શુક્લા કોલેજમાં બીબીએનો અભ્યાસ કરી રહ્યો છે. તે એક વખત ચાઇનાની અલીબાબા નામની સાઇટ ઉપર જુદી-જુદી બનાવટના કાગળો સર્ચ કરતો હતો ત્યારે તેને જાલીનોટ છાપવાનો વિચાર આવ્યો હતો.
આ માટે તેણે અલીબાબા સાઇટ ઉપરથી સારી ક્વોલિટીના કાગળ મંગાવ્યા હતા. રૂા. 100ના દરની અસલી નોટમાંથી તે થ્રેડ કાઢી તેને રૂા. 500 અને રૂા. 2000ના દરની જાલીનોટમાં ફેવીસ્ટીકની મદદથી ચોંટાડી દેતો હતો. આ ઉપરાંત જાલીનોટને બીબામાં નાખી તેમાં વોટર માર્ક ઉપસાવતો હતો. આ રીતે બનાવેલી જાલીનોટો નોટ ચેક કરવાના મશીનમાં પણ પકડાતી ન હતી. જાલીનોટો સીધી આંગડિયા પેઢીમાંથી વટાવતો હતો.કોઇપણ આંગડિયા પેઢીમાં જાલીનોટ જમા કરાવી તે પોતે જ તેને રિસીવ કરી લેતો હતો. પોતાનો એક નંબર આંગડિયા પેઢીમાં આપ્યા બાદ પોતાનો જ બીજો નંબર રિસીવર તરીકે આપતો હતો. રાજકોટની આંગડિયા પેઢીમાં નોટો જમા કરાવ્યા બાદ તે મેટોડા અને શાપર જઇ આંગડિયા પેઢીની બ્રાંચમાંથી રકમ ઉપાડી લેતો હતો. આ રીતે તેણે અત્યાર સુધી લાખો રૂપિયાની જાલીનોટો રાજકોટની જુદી-જુદી આંગડિયા પેઢીની મદદથી વટાવી લીધાની એસઓજીએ શંકા દર્શાવી છે.
ખરેખર તેણે અત્યાર સુધી કેટલી જાલીનોટો વટાવી તે અંગે એસઓજીને કોઇ ચોક્કસ માહિતી મળી નથી. પરંતુ તે છેલ્લા ઘણા સમયથી જાલીનોટો છાપી તેને આંગડિયા પેઢી મારફત વટાવતો હોવાની એસઓજીએ શક્યતા દર્શાવી છે. છેલ્લા કેટલા સમયથી જાલીનોટો છાપતો હતો, અત્યાર સુધી કેટલી જાલીનોટો વટાવી છે તે સહિતના મુદ્દે એસઓજીએ તેની વિશેષ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, વિશાલે છાપેલી જાલીનોટોને પહેલી નજરે બેન્કના અધિકારીઓ પણ ઓળખી શક્યા ન હતા. આરોપી વિશાલ તેના માતા-પિતાનો એકલોતો પુત્ર છે. તેની બહેનના લગ્ન થઇ ગયા છે. વિશાલ હજુ અપરિણીત છે. તેના પિતા બંગડીના કારખાનામાં કામ કરે છે. પુત્રના કારસ્તાનથી અજાણ હોવાનું જણાવ્યું હતું.
રાજકોટની આંગડીયા પેઢીમાં જમા કરાવી શાપર-મેટોડામાંથી ઉપાડતો: મકાનમાંથી છાપકામના સાધનો અને ર000 ના દરની 160, 500 ના દરની 18 ડુપ્લીકેટ રૂ.3.44 લાખની નોટ કબ્જે કરી