કસુરવારો સામે આકરી કાર્યવાહી કરવા ઉઠતી માંગ

જુનાગઢ કોર્પોરેશનમાં મેયર સહિતના પદાધિકારીઓની ઓફિસથી ૩૩૦ ફૂટ દૂર પડી રહેતી ડસ્ટબિન પર આમ તો કોઈની નજર હોતી નથી, પણ ડસ્ટ બીનમાં બે દારૂની ખાલી બોટલો પડી હોવાના મુદ્દે ગાઈકાલે ભારે દેકારો મચી ગયો હતો, અને આ પ્રકરણ ટોક ઓફ ધી મહાનગર બની ગયું હતું.

ગઈકાલે સોશીયલ મિડિયા દ્વારા મનપાની કચરા ટોપલીમાં દારૂની બે ખાલી બોટલ હોય તેવી તસવીર અને વિડિયો વાયરલ થયેલ જે મેયર ધીરુભાઈ ગોહિલને જાણમાં આવતા તેમણ તાત્કાલિક કોઈ અન્યનો સંપર્ક કર્યા વગર સીધો જ જુનાગઢ એસપીને ફોન કરી આ બનાવની ઉંડાણપૂર્વકની તપાસ કરાવવા અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય તેવી કાર્યવાહીની માંગ કરી હતી, સાથોસાથ કમિશનરને આ પ્રકરણમાં તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી.

જુનાગઢના પ્રથમ નાગરિક એટલે હરિ ભગત ગણાતા ધીરુભાઈ ગોહેલ અને તમામ ૬૦ કોર્પોરેટરોની ચરિત્ર અને તવારીખ શહેરના તમામ નાગરિકો જાણે જ છે, કોર્પોરેટરો, અધિકારી, પદાધિકારીઓ કોર્પોરેશનમાં કામમાં સતત વ્યસ્ત રહેતા હોય ત્યારે છાંટો પાણીનો સમય અને મહેફિલો માંડવાનું કોને સુજતું હશે ? એ સવાલ દારૂબંધી અને દારૂ પીવાનો નથી. પણ સવાલ એ છે કે મેંયરની કેબીન પાસેની ડસ્ટબીનમાં દારૂની બે ખાલી બોટલો કોણ મૂકી ગયું ? કોઈએ પાર્ટી સાટી કરી ? કોને એવી ભીડ પડી ગઈ હતી કે મૈયરની કેબીન પાસે ડસ્ટ બીનમાં આ માલ પધરાવવાની નોબત આવી હશે ? કે મનપા અથવા શાસક પક્ષ કે કોઈ અધિકારી અથવા કર્મચારીને માત્ર બદનામ કરવા કોઈ હિત શત્રુ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું ? આ અને આવા અનેક સવાલો મનપાની કચરા પેટીમાં આવેલ દારૂની ખાલી બે બોટલ બાદ ઉઠવા પામ્યા છે.

જો કે, વ્યસનોથી હજારો માઈલ દૂર રહેતા અને જેનું જીવન અરીસા જેવું છે તેવા મેયર ધીરુભાઈ ગોહિલે આ પ્રકરણમા વિના વિલંબે એસ.પી.ને જાણ કરતા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાા અને પોલીસ ટીમ મનપા પહોંચી હતી અને ઝીણવટ ભરી તપાસ આદરીી હતી, બીજી બાજુ મનપાના કમિશનર તુષાર સુમેરાએ પણ જૂનાગઢ મહાનગરની શાન સમી મનપા કચેરીનેે દાગ લાગે તેવું કૃત્ય કરનારને ખુલ્લો પાડવા માટે સીસીટીવી ફૂટેજ ચકાસી, કર્મચારીઓ, અધિકારીઓની પૂછપરછ પણ શરૂ કરી દીધીી હતી.

આ ચર્ચાસ્પદ બનેલ ઘટના અંગે પૂર્વ મેયર લાખાભાઇ પરમારના પુત્ર અને સામાજિક અગ્રણી ધર્મેશભાઈ પરમારે પણ નગર સેવા સદન જેવી પવિત્ર જગ્યાએ દારૂની આ ખાલી બોટલો દારૂબંધીના સરે આમ લીલા ઉઘાડનારી ઘટના તરીકે લેખાવીને કસૂરવારો સામે આકરાં પગલાંની માંગ કરી હતી.

જો કે, મનપા ને ગ્રહણ લગાડનાર આ પ્રકરણ અંગે મનપાના કમિશનર તુષાર સુમેરા એ અંગત રસ લઈ આ પ્રકરણના જળ સુધી પહોંચવાના પ્રયાસો જારી રાખ્યા હતા અને પ્રાથમિક તપાસમાં વોટર વર્ક્સ બ્રાન્ચમાંથી કોઈએ કચરાપેટીમાં બોટલ નાખી છે તેવું સામે આવ્યું છે અને આ પ્રકરણની વધુ તપાસ અને મનપાના અધિકારીઓ તથા કર્મચારીઓની ખાનગી રાહે પણ પૂછપરછ ચાલુ છે. પરંતુ જે કોઈ પણ જવાબદાર હશે અને જૂનાગઢની આન, બાન અને શાન સમી સંસ્થા મનપાને ગ્રહણ લગાડવા માટેનું જે કોઈએ કૃત્ય કર્યું હશે તેની સામે કડક કાર્યવાહી થશે તેમ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.