અમદાવાદથી 15 કિલો સોનું લઇ ખાનગી ટ્રાવેલ્સની બસમાં મુંબઇ જવા કર્મચારી નીકળ્યા બાદ ભરુચ પાસે ચૌધરી પેલેસ હોટલે બસે વોલ્ટ કર્યો ત્યારે સોનુ લઇ ભાગી ગયો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાતા બુલીયન પેઢીના કર્મચારી યશ ઠક્કરની શોધખોળ
અમદાવાદની બુલીયન પેઢીનું સોનું લઇ મુંબઇ જઇ રહેલા પેઢીના કર્મચારી રુા.13.50 કરોડની કિંમતનું 15 કિલો સોનું લઇ ભાગી ગયાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે પેઢીના કર્મચારી સામે વિશ્ર્વાસઘાતનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદમાં સોનાના બિસ્કીટનું હોલ સેલનું કામ કરતી બુલીયન પેઢીના કર્મચારી યશ ઠક્કર ગત તા.19 જાન્યુઆરીના રોજ રુા.13.50 કરોડનું સોનું લઇ અમદાવાદથી મુંબઇની પેઢીને ડીલીવરી આપવા માટે ખાનગી ટ્રાવેલ્સની બસમાં નીકળ્યો હતો. બસ ભરુચ-અંકલેશ્ર્વર રોડ પર ચૌધરી પેલેસ હોટલે વોલ્ટ કર્યો ત્યારે બુલીયન પેઢીનો કર્મચારી યશ ઠક્કર રુા.13.50 કરોડની કિંમતના સોના સાથે બસમાંથી ઉતરી ભાગી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે.
અમદાવાદની બુલીયન પેઢીના માલિક વિજયકુમાર ઠુમ્મરે પેઢીના કર્મચારી યશ ઠક્કર પાસેથી સોનું પરત મેળવવા અંગેના પ્રયાસો કર્યા હતા પરંતુ યશ ઠક્કર પાસેથી 15 કિલો સોનું પરત ન મળતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં વિશ્ર્વાસઘાત અંગેની ફરિયાદ નોંધાવી છે. બુલીયન પેઢીના માલિક વિજયકુમાર ઠુમ્મરની ફરિયાદ પરથી તેના કર્મચારી યશ ઠક્કર સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.