એક તત્ત્વ જે જીવન બદલે આજકાલ ભ્રષ્ટાચાર બહુ વધી ગયો છે…
હવે કામ કરવાની દાનત લોકોમાં નથી રહી…
ભલે સમય 8 વાગ્યાનો છે પણ કચેરી 9 વાગ્યા પહેલાં નહિ ખૂલે…
ખબર નથી પડતી, ભારતનું શું થશે?
આવા સંવાદો જનસમાજમાં સહજ છે. સૌને એક પ્રકારનો અસંતોષ સતત અન્ય લોકો તરફથી રહ્યા કરે છે. ઘણી વખત ખૂબ જ સારી યોજનાઓ પણ અમુક અસામાજિક તત્વોની ગેરનીતિને કારણે સારી રીતે અમલીકરણ નથી પામતી. તેનો પૂર્ણ લાભ ના મળ્યાનો રંચ પણ આપણા મન-હૃદયમાં ડંખ્યા કરે છે. ભારતના એક રાજનેતાએ વર્ષો પહેલાં વિધાન આપ્યું હતું કે, ‘લાભાર્થી માટે ફળવાતા પ્રત્યેક રૂપિયે કેવળ 15 પૈસા જ લાભાર્થી સુધી પહોંચે છે.’
આવા સંજોગોમાં કરવું શું?
બસ આવા જ પ્રકારના વિચારો ડો. એ.પી.જે. અબ્દુલ કલામના મનને મૂંઝવી રહ્યા હતા. દિવસ હતો 30 જૂન 2001નો. કલામ સાહેબ પહેલી વખત પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને મળવા પધાર્યા હતા. આ દિવસે સ્વામીશ્રી સાથે થયેલા વાર્તાલાપને તેઓએ પોતાના પુસ્તક ઝફિક્ષતભયક્ષમયક્ષભય માં આ રીતે મૂક્યો છે.
‘મેં પ્રમુખસ્વામીજી સમક્ષ મારા વિઝન-2020ના વિચારો પ્રસ્તુત કરતાં કહ્યું કે “સ્વામીજી! છેલ્લાં 50 વર્ષથી ભારત એક વિકાસશીલ દેશ રહ્યો છે. એનો અર્થ એ કે તે આર્થિક રીતે સશક્ત નથી, સામાજિક રીતે સ્થિર નથી અને સુરક્ષા બાબતે અપૂરતો છે. આ જ કારણોસર, ભારત આજે વિકાસશીલ દેશ કહેવાય છે. મારા જેવા અનેક લોકોના મનમાં પ્રશ્ર્ન છે કે ‘ભારતનું હવે પછીનું સ્વપ્ન કયું હોવું જોઈએ ? ભારતને આવનારાં 30 વર્ષમાં વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશમાં કઈ રીતે પરિવર્તિત કરી શકાય ?’ ભારતમાં પરિવર્તન લાવવાના હેતુથી અમે પાંચ મહત્ત્વપૂર્ણ ક્ષેત્રો તારવ્યા છે : 1. શિક્ષણ અને આરોગ્ય, 2. કૃષિ, 3. માહિતી અને પ્રત્યાયન, 4. માળખાગત સુવિધાઓ અને 5. મહત્ત્વપૂર્ણ ટેક્નોલોજી.’
પ્રમુખસ્વામીજી મારા ચહેરાના પ્રશ્ર્નાર્થ ભાવને અનિમેષ નીરખતા મને સાંભળી રહ્યા. કંઈ જ બોલ્યા નહીં. મેં વાત આગળ વધારીને કહ્યું : “સ્વામીજી ! અમારી સમસ્યા એ છે કે અમે સરકાર સમક્ષ (ત્યારે હું રાષ્ટ્રપતિ નહોતો) અમારા આ વિઝનની રજૂઆત તો કરીએ છીએ, પરંતુ આ મહત્ત્વાકાંક્ષી સ્વપ્નને સાકાર કરવા માટે મૂલ્યનિષ્ઠ પ્રજાજનોનું સર્જન કેવી રીતે કરીએ ? અમારે ખરેખર મૂલ્યનિષ્ઠ નાગરિકોના સંવર્ગની જરૂર છે. સ્વામીજી ! આપ આ બાબતના તજજ્ઞ છો. અમને આપની સલાહની જરૂર છે.”
પ્રમુખસ્વામીજીએ સ્મિત રેલાવીને સૌપ્રથમ ઉચ્ચારેલા શબ્દો હતા : ભારતને પરિવર્તિત કરવાનાં આપે જે પાંચ ક્ષેત્રો તારવ્યાં છે, તેમાં છઠ્ઠું ક્ષેત્ર ઉમેરો – ભગવાનમાં શ્રદ્ધા તથા આધ્યાત્મિકતા થકી લોકોનો વિકાસ. આ બાબત ખૂબ મહત્ત્વપૂર્ણ છે. પ્રમુખસ્વામીજીના આ વિધાનની સ્પષ્ટતા, ચોકસાઈ અને દૃઢતાથી હું આશ્ચર્યચકિત થઈ ગયો.
સ્વામીએ બતાવેલો માર્ગ ખરેખર અત્યંત અસરકારક છે. કારણ કે, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા એક એવી ‘માસ્ટર કી’ છે કે જે માણસમાત્રને સન્માર્ગે ચાલવાની પ્રેરણા આપી શકે છે. રોજબરોજના જીવનમાં આપણે જોયું છે કે જ્યારે લોકો જોતાં હોય ત્યારે વ્યક્તિની સભ્યતા, સુશીલતા અને પ્રામાણિકતાની કક્ષા ખૂબ ઊંચી હોય છે.
અરે! જો એટલી ખબર પડે ને કે આપણે કેમેરાની આંખો નીચે છીએ તોય આપણું વર્તન બદલાઈ જાય છે. (એટલે તો લોકોને જાણપણું આપવા માટે જાહેર સ્થળોમાં બોર્ડ મારવા પડે છે કે તમે સીસીટીવી કેમેરાની નજર હેઠળ છો જેથી તે ન કરવાનું ના કરી બેસે) તો કલ્પના કરીએ કે જ્યારે દરેક વ્યક્તિ એવી પૂર્ણ શ્રદ્ધા સાથે જીવે કે સર્વોપરી ભગવાન સર્વત્ર બિરાજમાન છે અને મને અખંડ જુએ છે અને એ જ મને મારા સારા-નરસા કર્મોનું ફળ આપવાના છે તો આ સમાજ કેટલો સદાચારી, સભ્ય અને સંસ્કારી બની રહે!!!
ભગવાનમાં શ્રદ્ધા એ સદ્ગુણ માત્રની જનેતા છે. જે માનવને સાચા અર્થમાં માનવ બનાવે છે. અલબત્તઆંતરિક સ્વભાવો-દોષોને વશ થઈ વ્યક્તિ અયોગ્ય કર્મ તરફ દોરાય છે, પરંતુ પરમાત્માની પ્રસન્નતાનો વિચાર કે તેઓના કુરાજીપાથી થતાં દુ:ખની કલ્પના તેને રોકે છે. અંતરાત્માનો અવાજ ડંખે છે. ભગવાનમાં શ્રદ્ધા જ એક એવું અમૃત છે જે માનવમૂલ્યોના વિશાળ ઉદ્યાનનું શાશ્વતકાળ સુધી જતન અને સંવર્ધન કરી શકે.
આજે 600 એકરમાં પથરાયેલ પ્રમુખસ્વામી મહારાજ નગરની વિરાટતા જોઈને સહુ કોઈને આશ્ચર્ય થઈ રહ્યું છે. આ સદીની એક ઐતિહાસિક ઘટના ગણાતા આ કાર્યક્રમને નિહાળવા છેલ્લા 10 દિવસમાં દસ લાખથી વધુ લોકો આવી ચૂક્યા છે. આઇઆઇએમ જેવી મોટી મોટી મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટે મહોત્સવના આયોજન અંગે રિસર્ચ કાર્ય શરૂ કરી દીધું છે. કેવી રીતે આ ગંજાવર પ્રવૃત્તિ અને જંગી મેદનીનું આટલું સુંદર રીતે સંચાલન થઈ રહ્યું છે તે અચરજને ઉકેલવા સૌ મથી રહ્યા છે. તેનું એક પરિબળ અહીં સુસંગત અને નોંધનીય છે.
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે તૈયાર કરેલ 80,000થી વધુ નિષ્ઠાવાન કાર્યકરો. રસોડુ, બાંધકામ, ઇલેક્ટ્રીક-પાણી, સભા વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટ, ફ્લો કંટ્રોલ, ઉતારા જેવા અનેક વિભાગોમાં આ સ્વયંસેવકો નિ:સ્વાર્થભાવે રાત દિવસ ખડે પગે સેવા આપી રહ્યા છે. અહીં આવનાર પ્રત્યેક મહાનુભાવ આ વાસ્તવિકતાથી અચંબિત છે કે પ્રમુખસ્વામી મહારાજે આ સેવાભાવના કેવી રીતે પ્રગટ કરી હશે.
પરંતુ તેનું રહસ્ય એ છે કે પ્રમુખસ્વામી મહારાજે આ ભક્તોના હૃદયમાં ભગવાનમાં શ્રદ્ધા અને ભક્તિની જ્યોત પ્રગટાવી છે. અને તે આધ્યાત્મિક ઉજાસથી આજે સમગ્ર નગર ઝળહળી રહ્યું છે. કોઈ ટ્રાફિક કંટ્રોલમાં નગરના છેવાડે સેવા કરી રહ્યું છે, તો કોઈ રસોડા વિભાગમાં વહેલી સવારે ઊઠીને ભક્તોના ભોજનની તૈયારીઓ કરે છે, કોઈ પાણીની પાઈપો ફિટ કરી રહ્યું છે, તો કોઈ નગરમાં ઝાડુ લઈને સ્વચ્છતાની સેવામાં જોડાઈ ગયું છે, કોઈ દરરોજ થતાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં બાળકો યુવકોની મદદમાં છે, તો કોઈ મહાનુભાવોની સેવા સરભરામાં રત છે.
રાત-દિવસ શિયાળાની ઠંડીમાં, ઘર પરિવારથી દૂર, વિશેષ કોઈ સગવડ વગર હજારો કાર્યકરો સેવા કરે છે પણ કોઈને નોંધ, કદર કે વળતરની અપેક્ષા નથી. તમે નગરમાં આવેલ કોઈ પણ કાર્યકરને એક પ્રશ્ર્ન પૂછશો કે આ સેવાની પ્રેરણા કેવી રીતે મળે છે તો એક સર્વ સામાન્ય જવાબ સૌના મુખેથી મળશે – ભગવાન સ્વામિનારાયણ અને ગુરુહરી પ્રમુખસ્વામી મહારાજને રાજી કરવા. બધાને અંતરમાં એ વિશ્વાસ છે કે મારી સેવા ભગવાન જુએ છે, જાણે છે અને મને ફળ સ્વરૂપે તેમની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. આ ચમત્કાર છે ભગવાનમાં શ્રદ્ધાનો. જો પ્રમુખસ્વામી નગરમાં જીવાતા મૂલ્યો સમગ્ર દેશમાં વિસ્તરી જાય તો આપણી દુનિયા કેટલી સુંદર બની જાય!!!
પ્રમુખસ્વામી મહારાજે સહજતાથી આપેલ આ સોનેરી સૂચન માત્ર વ્યક્તિ, સમાજ કે દેશની નહિ પરંતુ સમગ્ર વિશ્ર્વની તાસીર બદલવા સમર્થ છે.