કુળદેવીના દર્શન કરવા જવાનું કહી મોરબી ફાટક પાસે જીવન ટુંકાવ્યું
શહેરના રેસકોર્સ રીંગ પાસેના પ્રભાત કોમ્પ્લેકસમાં રહેતા વૃદ્ધ દંપતીએ બિમારીથી કંટાળી મોરબી રોડ ફાટક પાસે ટ્રેન નીચે પડતું મુકી સજોડે આપઘાત કરી લીધો હતો. કુળદેવીના દર્શન કરવા જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ બંનેએ બિમારીથી કંટાળી પગલું ભરી લીધું હતું.
શહેરની ભાગોળે મોરબી રોડ ફાટક નજીકથી રવિવારે બપોરે બાર વાગ્યે ટ્રેન પસાર થઈ ત્યારે વૃદ્ધ દંપતીએ અચાનક ટ્રેન નીચે ઝંપલાવ્યું હતું. બંનેના સ્થળ પર જ મોત નિપજયા હતા. રેલવેના ગાર્ડે બંનેના મૃતદેહને જંકશન રેલવે સ્ટેશને પહોંચાડયા હતા. બનાવની જાણ થતા બી ડીવીઝનના પીએસઆઈ સાકરિયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. મૃતકના ખિસ્સામાંથી મળેલા ઓળખપત્ર પરથી મૃતકોની ઓળખ થઈ હતી.
પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, મૃતક રેસકોર્સ રીંગ રોડ નજીક ગવર્નમેન્ટ પ્રેસ પાસેના પ્રભાત કોમ્પ્લેકસમાં રહેતા ગુણવંતભાઈ બેચરલાલ બુઘ્ધદેવ (ઉ.વ.૭૦) અને જયોતિબેન બુઘ્ધદેવ (ઉ.વ.૬૫) હોવાનું ખુલ્યું હતું. બિમારીથી કંટાળી બંનેએ સજોડે આપઘાત કર્યાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ હતો.