વહેલી સવારે ૭:૨૫ વાગ્યે ગોંડલથી ૨૯ કિલોમીટર દુર સાઉથ-વેસ્ટમાં ભુકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું
સૌરાષ્ટ્ર સહિત આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં ધરતી છેલ્લા એકાદ માસથી સમયાંતરે સળવળાટ કરી રહી છે અને અલગ-અલગ જગ્યાએ ભુકંપનાં આંચકાનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે આજે વહેલી સવારે પણ ભુકંપનો એક આંચકો ગોંડલ ખાતે અનુભવાયો હતો જેનું કેન્દ્રબિંદુ ગોંડલથી ૨૯ કિલોમીટર દુર સાઉથ વેસ્ટ સાથે નોંધાયું હતું. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાનાં સાયલા અને ચુડા ખાતે વહેલી સવારે ૨.૧ તિવ્રતાનો ભુકંપનો આંચકો અનુભવાયો હતો.
મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે એટલે કે ૭:૨૫ કલાકે ગોંડલથી ૨૯ કિલોમીટર દુર સાઉથ-વેસ્ટ ગોંડલ-સૌરાષ્ટ્રમાં ૨.૦ રીકટર સ્કેલનો ભુકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. આ ઉપરાંત ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લાનાં ચુડા અને સાયલા ખાતે ભુકંપનો આંચકો આવતા લોકોમાં ભારે ભય અને ગભરાહટનો માહોલ ફેલાયો હતો. ગઈકાલે વહેલી સવારે ચુડા અને સાયલા તાલુકામાં ૨.૧ રીકટર સ્કેલની તિવ્રતાનો ભુકંપનો આંચકો આવવાનું જાણવા મળ્યું હતું. આ ભુકંપનું કેન્દ્રબિંદુ પણ સાયલામાં હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી સૌરાષ્ટ્રનાં ગ્રામ્ય વિસ્તારોમાં ભુકંપનાં હળવા આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. ૨૬મી જાન્યુઆરી ૨૦૦૧માં સૌથી મોટો ભુકંપનો આંચકો આવ્યો હતો. હવે આગામી ૨૬મી જાન્યુઆરી ૨૦૨૦ પણ નજીક છે ત્યારે સૌરાષ્ટ્રની ધરતી પર અલગ-અલગ જગ્યાએ ભુકંપનાં હળવા આંચકાનો અનુભવ થઈ રહ્યો છે.
ભુકંપનાં આંચકા આવવાથી નાના એવા ગામનાં રહેવાસીઓમાં ભારે ગભરાહટ ફેલાયું છે હજુ તો શિયાળાની શઆત થઈ છે ત્યારે અત્યારથી ભુકંપની પણ શરૂઆત થતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. ગઈકાલે સુરેન્દ્રનગરનાં સાયલા અને ચુડા ખાતે અને આજે વહેલી સવારે ગોંડલ પંથકમાં ભુકંપનો આંચકો આવતા લોકો ભયભીત થયા હતા જોકે ભુકંપની તિવ્રતા વધુ ન હોવાથી જાનમાલની નુકસાનીનાં કોઈપણ અહેવાલ મળ્યા નથી.