૪.૫ થી ૫.૫૦ તિવ્રતાના આંચકાથી દ્વીપ સમુદ્ર ધ્રુજી ઉઠયો
આંદામાન નિકોબાર ટાપુ પર વધુ એકવાર ભુકંપનાં આંચકા અનુભવવામાં આવ્યા હતા જેથી લોકોમાં ભયનો માહોલ પણ ઉદભવિત થયો હતો. સોમવારના રોજ ૧૧ કલાકમાં ૨૦ ઝટકાથી આંદામાનનો દ્વિપ સમુદ્ર ધ્રુજતો રહ્યો હતો. રાષ્ટ્રીય ભુસ્તર વિભાગના અહેવાલ મુજબ આંદમાન નિકોબાર ટાપુ ઉપર સોમવારે ધરતીકંપના ૨૦ જેટલા આંચકા આવ્યા હતા જેની તીવ્રતા ૪.૫ થી ૫.૫ રીચર્સ સ્કેલ પર નોંધાયા હતા. ભુકંપના આ સીલસીલા દરમિયાન પ્રથમ આંચકો ૪.૯ તીવ્રતાનો સવારના ૫:૧૫ કલાકે આવ્યો હતો ત્યારપછી બે મિનિટ બાદ ૫.૫ની તીવ્રતાના બે આંચકા નોંધાયા હતા.
આંદામાન અને નિકોબાર ટાપુ ઉપર આવેલા ભુકંપના પગલે સમગ્ર દ્વિપ સમુદ્ર ધણધણી ઉઠયો હતો. આંદામાનના નિર્જન વિસ્તારોમાં ભુકંપ માપની કોઈ પ્રામાણિક વ્યવસ્થા ન હોવાથી પ્રોલ્ટબેર અને આસપાસના વિસ્તારોમાં ૧૧ કલાકમાં ૨૦ ઝટકાઓ નોંધાયા હતા. ભુતકાળમાં ઘણી વખત ભુકંપના પગલે આ દ્વિપ સમુદ્ર દરિયાઈ મોજાની સુનામીની આફત આવતી રહે છે અલબત મોટાભાગનો વિસ્તાર વસ્તી વિહોણો હોવાથી અને જંગલ અને મેદાન પ્રદેશ તરીકે હોવાથી જાનહાની ઓછી થાય છે ત્યારે ભુતકાળમાં ગુજરાત સહિત દેશ માટે ખાસ કરીને કચ્છમાં ૨૬મી જાન્યુઆરીએ આવેલા ભુકંપની પણ આંદામાન પર અસર થઈ હતી. સોમવારે ૨૦ ઝટકાઓ નિરંતર આવતા આંદામાનના મોટાભાગ ધ્રુજતા જોવા મળ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આંદામાન નિકોબાર ટાપુના કેટલાક પ્રતિબંધિત વિસ્તારોમાં દુનિયાની સૌથી પ્રાચીન આદિવાસી પ્રજા વસી રહી છે. તાજેતરમાં જ એક વિદેશી પ્રવાસીએ દુનિયાથી અલુપ્ત રહેતા આદિવાસીઓનો સંપર્ક કરવા અને તેમની વસ્તીવાળા ટાપુ પર સ્થાનિક માછીમારની મદદથી જવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તે પ્રવાસીને ઝેરી તીર કામઠાથી મોતને ઘાટ ઉતારી દરીયાકાંઠે જ અડધો મૃતદેહ નજરે પડયો હતો.