થોરાળા, કુવાડવા, બી-ડિવિઝન અને ભક્તિનગર પોલીસે સંયુક્ત ઓપરેશન કરતા થોરાળા અને કુબલીયાપરામાં નાસભાગ
૧૦,૪૦૦ લીટર દારૂ બનાવવાના આાનો નાશ કરાયો: ૬૫ લીટર દારૂ કબ્જે: મહિલા સહિત ત્રણ ફરાર: એક બૂટલેગરની ધરપકડ
શહેરના થોરાળા વિસ્તારમાં આવેલા સીતારામનગર અને કુબલિયાપરામાં વિસ્તારમાં દેશી દારૂની પોલીસે મેગા ડ્રાઇવ કરી ઠેર ઠેર દેશીદારૂ અંગે સવારના ૬.૩૦ થી ૮.૦૦ દરમિયાન દરોડા પાડયા હતા. થોરાળા વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ગૃહ ઉદ્યોગની જેમ ધમધમતી હોવાથી પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને ડીસીપી ઝોન-૧ રવિમોહન સૈની અને પૂર્વ વિભાગમાં એસીપી એચ.એસ. રાઠોડની સુચનાથી થોરાળા, ભકિતનગર, કુવાડવા અને બી ડીવીઝન પોલીસ મથકના સ્ટાફે વહેલી સવારે દેશી દારૂ અંગે દરોડા પાડવાની કાર્યવાહી શરુ કરી હતી. દરોડા દરમિયાન કુબલીયાપરાના દારૂના ધંધાર્થી સીતારામ ધીરુ મકવાણા, રાધાબેન દિલીપ મકવાણા અને દિનેશ નાથા સોલંકી ભાગી ગયા હતા. જયારે રવિ મણીલાલ ઝાલા નામનો શખ્સ ઝડપાયો હતો. પોલીસે ચારેય સ્થળેથી રૂા ૧૦,૪૦૦ ની કિંમતનો ૫૨૦૦ લીટર આથો અને રૂા ૧૩૦૦ ની કિંમતનો ૬૫ લીટર દેશી દારૂ કબ્જે કર્યો છે.
શહેરના થોરાળા અને કુબલિયાપરામાં દેશી-દારૂની ગૃહ ઉદ્યોગની જેમ ભઠ્ઠીઓ ચાલતી હોવાનું અને અનેક પરિવારોની આજીવિકાનું સાધન બની ગયું છે. ત્યારે રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ રાજ્યમાં દેશી અને વિદેશી દારૂના ધંધાર્થી પર કડક કાર્યવાહી કરવાની કરેલી તાકિદના પગલે શહેરના સામાકાંઠા વિસ્તારમાં ચાર પોલીસ મકમાં પોલીસ અધિકારીઓ અને ડી-સ્ટાફે સાથે મળી સંયુક્ત રીતે થોરાળા અને કુબલીયાપરા વિસ્તારમાં વહેલી સવારે દેશી દારૂના હાટડા પર ત્રાટક્યા હતા. અચાનક જ મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ કુબલીયાપરામાં અને થોરાળા વિસ્તારમાં ધસી આવતા નાસભાગ મચી ગઈ હતી.
પોલીસ સ્ટાફે પાંચ સ્થળેથી દેશી દારૂ અને દેશી દારૂ બનાવાતો આથો તેમજ ભઠ્ઠીના સાધનો મળી આવ્યા હતા. જે પૈકીનો રૂા.૧૦,૪૦૦ની કિંમતના ૫,૨૦૦ લીટર આથાનો સ્થળ પર જ નાસ કરી નિકાલ કરવામાં આવ્યો હતો. ત્યારે રૂા.૧૩૦૦ની કિંમતનો ૬૫ લીટર દેશી દારૂ મળી આવતા કબ્જે કર્યો છે. પોલીસે દેશી-દારૂ બનાવાના આથા ઉપરાંત ભઠ્ઠીના સાધનો જેવા કે ૧૪૦ થી વધુ ડબ્બા, પ્લાસ્ટીકના ટીપણા સહિતના સાધનોનો પણ નાશ કર્યો હતો.
પાંચેય દરોડા થોરાળા પોલીસ મથક હેઠળના હોવાથી પીઆઈ જી.એમ.હડિયા, પીએસઆઈ પી.ડી.જાદવ, એ.એસ.બારસીયા, જે.જી.ચૌધરી, એચ.બી.વડાવીયા, પી.બી.જેબલીયા, આર.એસ.સાકળીયા, હેડ કોન્સ આનંદભાઈ પરમાર, ભરતભાઈ સોલંકી, લાખાભાઈ કલોત્રા, કનુભાઈ ઘેડ, નરસંગભાઈ ગઢવી, સરહદેવસિંહ જાડેજા, પૃથ્વીસિંહ ચુડાસમા અને ઉષાબેન પરમાર દરોડાની કાર્યવાહીમાં જોડાયા હતા. અને અલગ અલગ પાંચ ગુના નોંધી બાપા સીતારામનગરના રવિ મણીલાલ ઝાલા નામના શખસની ધરપકડ કરી છે જ્યારે કુબલીયાપરાના સીતારામ ધીરૂ મકવાણા, રાધાબેન દિલીપ મકવાણા અને સીતારામ નગરના દિનેશ નાથા સોલંકી સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.