નવસારી જિલ્લાના જલાલપોર તાલુકા મથકે ‘આયુષ મેળો’ યોજાયો હતો. વૈશ્વિક સ્વાસ્થ્ય માટે આયુર્વેદ નવીનતાના થીમ પર આયુષ મેળો’ ઉજવાયો હતો.  નિષ્ણાત ડોકટર્સ દ્વારા દર્દીઓની સ્થળ પર જ વિના મૂલ્યે સારવાર કરવામાં આવી હતી. આયુર્વેદને દિનચર્યામાં અપનાવી જીવનશૈલીમાં પરિવર્તન કરવાનો જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, આયુષ નિયામકશ્રીની કચેરી-ગાંધીનગર અને આયુર્વેદ શાખા, નવસારી જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે જલાલપોર તાલુકાના મરોલી બજારના કોળી સમાજની વાડી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં ‘આયુષ મેળો’ યોજાયો હતો.

જેમાં નવસારીના લોકોએ નિદાન અને આયુર્વેદિક સારવારનો લાભ લીધો હતો. જિલ્લા પંચાયત પ્રમુખએ ‘આયુષ મેળા’ની મુલાકાત લઈ આડઅસર વિનાના આયુર્વેદ ઉપચાર પદ્ધતિને આધારે દિનચર્યા અને જીવનશૈલીમાં પરિવર્તન કરવાનો અનુરોધ કર્યો હતો. આયુષ મેળામાં આયુર્વેદ ઔષધિ, રસોડા અને ઘરઆંગણાની ઔષધિઓનું પ્રદર્શન, ચાર્ટ પ્રદર્શન, વૈદિક ફૂડ, પંચકર્મ, અગ્નિકર્મ, બાળકોના ઉપચાર તેમજ સૂવર્ણપ્રાશન, ગર્ભસંસ્કાર તથા અન્ય આયુર્વેદ પદ્ધતિઓનું પ્રદર્શન કરાયું હતું. આ સાથે જ કાર્યક્રમમાં આંગણવાડી બહેનો દ્વારા વિવિધ આરોગ્ય માટે પોષણ યોગ્ય વાનગીઓ પ્રદર્શન મુકવામાં આવ્યું હતું . આયુષની વિવિધ પદ્ધતિઓની સમજણ બાલ્યાવસ્થાથી જ થઈ શકે તે માટે સ્કૂલના બાળકોને અને ગ્રામજનનોને આયુર્વેદની પદ્ધતિઓની સમજણ આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ અરવિંદ પાઠક, જિલ્લા પંચાયત સભ્ય શંકર પટેલ, તાલુકા પંચાયત સભ્ય હેમલતા પટેલ, નવસારી જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય નયના પટેલ , આર.એમ. ડી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલ બીલીમોરાના કેમ્પ ઇન્ચાર્જ ડૉ.પ્રાજકતા ઇંગોલે, સરપંચો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.