જિલ્લાની 8 વિધાનસભા બેઠકોની ચૂંટણી રૂ.14 કરોડમાં પડી, રૂ. 10.98 કરોડનો ખર્ચ ચૂકવાય ગયો, હવે રૂ. 3 કરોડની ગ્રાન્ટની જોવાતી રાહ
જિલ્લાની 8 વિધાનસભા બેઠકોની ચૂંટણી સરકારને રૂ.14 કરોડમાં પડી છે. ચૂંટણીમાં એક મતદાન મથકનો સરેરાશ રૂ. 61 હજારનો ખર્ચ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાજકોટ જિલ્લાની 8 વિધાનસભાની ચૂંટણી 1 ડિસેમ્બર 2022ના રોજ યોજાઈ હતી. જે બાદ તા.8 ડિસેમ્બરના રોજ કણકોટ એન્જીનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરી પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય, જસદણ, ગોંડલ, જેતપુર અને ધોરાજી આ વિધાનસભાની બેઠકોમાં કુલ 2264 જેટલા બુથ નોંધાયા હતા.
આ દરેક બુથ ઉપર સરેરાશ અંદાજે રૂ. 61 ચૂંટણી ખર્ચ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ કુલ 2264 જેટલા બુથનો કુલ ખર્ચ રૂ. 14 કરોડને આંબી ગયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર વિધાનસભા ચૂંટણીના ખર્ચ પૈકી રૂ. 10.98 કરોડનો ખર્ચ ચૂકવાય ગયો છે. અંદાજે રૂ. 3 કરોડનો ખર્ચ ચૂકવવાનો બાકી હોવાનું જાણવા મળી રહ્યું છે. વધુમાં સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ ભોજન, કાઉન્ટીંગ માટેના આર એન્ડ બી, મંડપ, વીડિયો રેકોર્ડિંગ સહિતની કામગીરીના બિલો મંજુર થયા નથી. ટૂંક સમયમાં તેઓને પણ નાણાની ચુકવણી શરૂ કરવામાં આવનાર છે. આ માટે ઉપરથી ગ્રાન્ટ આવ્યા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ રાજ્યમાં આ ચૂંટણીનો ખર્ચ રૂ. 450 કરોડે પહોંચવાનો અંદાજ મુકવામાં આવ્યો હતો. ગુજરાત સરકારે તેના વાર્ષિક બજેટમાં આ વિધાનસભા ચૂંટણી માટે 387 કરોડ આપવાનું જણાવ્યું હતું. અગાઉ વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી માટે સરકારે 250 કરોડ આપવાની વાત કરી હતી, પરંતુ ચૂંટણી બાદ આ આંકડો વધીને 326 કરોડ થઈ ગયો હતો.
આ વખતે ચૂંટણીમાં મતદાન મથકમાં વધારો થતાં સ્ટાફની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો હતો. આ માટે વધુ વાહનોનો પણ ઉપયોગ કરવો પડ્યો હતો.