- રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં સરેરાશ 35 હજારથી વધુ શાળાઓનું એક્રેડિટેશન કરાયું
- 30 ડિસેમ્બર 2024થી ગુણોત્સવ 2.0 નો રાજ્યવ્યાપી પ્રારંભ
- આ વર્ષનો ગુણોત્સવ 2.0 કુલ 4 તબક્કામાં યોજાશે
વિકસીત રાષ્ટ્રના નિર્માણના પાયામાં શિક્ષણ રહેલું છે. શિક્ષિત રાજ્ય થકી જ વિકસિત દેશની વિભાવના સાર્થક થશે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી તેમજ ગુણોત્સવ જેવા શિક્ષણલક્ષી કાર્યક્રમો થકી શિક્ષિત રાજ્ય બનવાની નેમ શરૂ કરી હતી. જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવા દિશા અને વિચારો સાથે આગળ ધપાવી રહ્યા છે.
વર્ષ 2009 થી ચાલતા ગુણોત્સવમાં શિક્ષણમાં બદલાતા પ્રવાહોનો સમાવેશ કરી વર્ષ 2019થી ગુણોત્સવ 2.0 એટલે કે સ્કૂલ એક્રેડિટેશનનું નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે. જે અંતર્ગત વર્ષ 2019 થી 2024 દરમિયાન સરેરાશ 35 હજારથી વધુ શાળાઓમાં એક્રેડિટેશન કરવામાં આવ્યું છે. જેના થકી શિક્ષણના સ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે.
શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર શૈક્ષણિક ગુણવત્તામાં અભિવૃદ્ધિ માટે નિરંતર પ્રયત્નો કરી રહ્યા છે. રાજ્યમાં આ વર્ષનો ગુણોત્સવ 2.0 કુલ ચાર તબક્કામાં યોજાશે જેમાં પ્રથમ અને બીજા સોપાનની કામગીરી 30 ડિસેમ્બર 2024 થી 18 જાન્યુઆરી 2025 સુધી યોજાશે. જેમાં રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને આવરી લેવાશે. સાથે જ આશ્રમશાળાઓમાં પણ આ કામગીરી હાથ ધરવામાં આવશે. ગુણોત્સવ 2.0 માટે પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની માર્ગદર્શિકા ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT) દ્વારા તૈયાર કરવામાં આવી છે. જેમાં કુલ ચાર ક્ષેત્રમાં સ્કૂલ એક્રેડિટેશન પ્રક્રિયા હાથ ઘરાશે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ સ્કૂલ એક્રેડિટેશનના ત્રીજા સોપાનમાં સુઘારો કરવામાં આવ્યો છે. જેમાં હાજરી, સામયિક કસોટી, સત્રાંત કસોટી, પ્રથમ, દ્વિતીય અને વાર્ષિક પરીક્ષા, બોર્ડની પરીક્ષા, મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા (CET), મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા (CGMS) જેવી નવી બાબતોનો સમાવેશ થાય છે. જ્યારે, ચોથા સોપાનમાં રાજ્યમાં સ્કૂલ એક્રેડિટેશન થયેલ શાળાઓ પૈકીની મહત્તમ 33 ટકા સુધીની શાળાઓનું વેરિફાયર્સ (સ્કૂલ ઇન્સ્પેક્ટર્સ) દ્વારા ક્રોસ વેરિફિકેશન બાદ શાળાઓના રિપોર્ટ કાર્ડ પ્રસિદ્ધ કરવામાં આવશે.
આ ઉપરાંત જિલ્લાના આચાર્યો, મુખ્ય શિક્ષકો તેમજ CRC કો-ઓર્ડીનેટરને સ્કૂલ અક્રેડીટેશન ફ્રેમ વર્ક સંબંધે જરૂરી માર્ગદર્શન મળી રહે તેવા ઉમદા શુભાશયથી DIKSHA Portal પર ઓનલાઇન કોર્સિસ પણ મુકવામાં આવ્યા છે, જે રાજ્યના તમામ શિક્ષકોને સમયસર અને ઝડપી માર્ગદર્શન આપવામાં મદદરૂપ સાબિત થશે.