નિદાન અર્થે આવેલી ગર્ભવતી મહિલા સાથે અડપલા કરીને બિભત્સ માંગણી કરી, મહિલા તાબે ન થતા જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ
વેરાવળ સિવિલ હોસ્પિટલનાં તબીબે નિદાન અર્થે આવેલી ગર્ભવતી મહિલા સાથે શારીરીક અડપલા કરી બિભત્સ માંગણી કરી હતી. મહિલા તાબે ન થતા જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે મહિલાએ તબીબ વિરૂધ્ધ બળાત્કારની કોશિષ કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.
વેરાવળની મીસ્કકીન શા કોલોનીમાં રહેતી મહિલાએ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ ગઈકાલે સાંજના ૫ વાગ્યાના અરસામાં વેરાવળની સીવીલ હોસ્પિટલમાં ગર્ભવતી હોવાથી નિદાન અર્થે ગયા હતા. હોસ્પિટલે તેઓ પોતાના સગામા થતા અન્ય મહિલા સાથે ગયા હતા. કેસ કઢાવ્યા બાદ તેઓનો વારો આવતા ડો. કુબાવતની ચેમ્બરમાં નિદાન અર્થે ગયા હતા. ત્યાં ડો. કુબાવતે તેઓની સાથે શારીરીક અડપલા કર્યા હતા.
આ ઉપરાંત બિભત્સ માંગણી કરી હતી. જેથી ગર્ભવતી મહિલા ચેમ્બરની બહાર નીકળી ગઈ હતી ત્યારે ડો. કુબાવતે બહાર આવીને બિભત્સ માંગણીને તાબે ન થયેલી મહિલાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી
બાદમાં એવું જાણવા મળ્યું કે ડો. કુબાવતે અનેક મહિલાઓ સાથે આ પ્રકારનું વર્તન કર્યું છે. પરંતુ ધાકધમકી આપી ભોગ બનેલી મહિલાઓને ફરિયાદ કરતા અટકાવી છે.
ગર્ભવતી મહિલાની આ ફરિયાદથી સમગ્ર શહેરમાં ચક્ચાર મચી જવા પામી છે. નરાધમ તબીબ પર સૌ કોઈ ફીટકાર વરસાવી રહ્યા છે. વેરાવળ પોલીસે મહિલાની ફરિયાદનાં આધારે તબીબ સામે બળાત્કારની કોશિષનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.