ઘરનો સામાન લેવા આવેલા દંપતી અને પુત્ર પર પાડોશી ધોકા-પાઇપ વડે તૂટી પડ્યા: આખરે સમાધાન
શહેરના છેવાડે આવેલા કણકોટ રોડ પર પંચરત્ન પાર્ક પાસે પચ્ચીસ વારીયા પાસે પોતાના ઘરમાં રહેલો સામાન લેવા આવેલા પરિવાર પર તેના પાડોશીએ જૂની અદાવતનો ખાર રાખી ધોકા અને પાઇપ વડે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જેમાં આખરે બેન પરિવારના મોભીઓએ મળી સમાધાન કરાવ્યું હતું.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના ભાગોળે આવેલા કણકોટ રોડ પર પંચરત્ન પાર્ક પાસે 25 વારીયામાં રહેતા છગનભાઈ લખાભાઈ ખીમસુરીયા (ઉ.વ.42), તેના પત્ની ગીતાબેન ખીમસુરિયા (ઉ.વ.40) અને પુત્ર આદિત્ય ખીમસુરીયા (ઉ.વ.18) પર તેના પાડોશી વિજય સહિતના અજાણ્યા શખ્સોએ ધોકા અને પાઇપ વડે હુમલો કરતા ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અંગે જાણ થતાં તાલુકા પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. જ્યાં પોલીસની પુછપરછમાં જાણવા મળ્યા મુજબ એક વર્ષ પહેલાં હુમલાખોર વિજયની પુત્રીને આદિત્ય સાથે સબંધ હોય અને તેને લગ્ન કરવા હોય પરંતુ આદિત્ય ના પાડતો હોય જે બાબતે વિજયને જાણ થતાં માથાકૂટ થઈ હતી. ત્યાર બાદ છગનભાઈ પોતાના પુત્ર આદિત્ય સહિત પરિવારજનો સાથે બીજે રહેવા જતા રહ્યા હતા.
ગઇ કાલે જૂના ઘરમાંથી સામાન લેવા આવ્યા ત્યારે જૂની અદાવતનો ખાર રાખી વિજય સહિતનાઓએ આદિત્યના પરિવારજનો પર હુમલો કર્યાનું પોલીસ પુછપરછમાં જણાવ્યું હતું. પરંતુ ત્યાર બાદ બંને પક્ષે સમાધાન થઈ જતાં પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાનુ પણ જાણવા મળ્યું છે.