આઈસોલેશન વોર્ડ પાસે બંદોબસ્ત ગોઠવાયો: લોકો જાગૃત બને માટે દર્દીઓને માસ્ક આપી બહાર ન નિકળવા સુચના અપાઈ
ગુજરાતમાં કોરોના વાઈરસની પોઝિટીવ કેસની સંખ્યા ગઈકાલે ૨ હતી તે એક જ દિવસમાં જ અઢી ગણી વધીને આજે ૫ણ થઈ જતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. કોરોના વાઈરસ સામે તકેદારીના ભાગરૂપે આરોગ્ય તંત્ર અને કલેકટર તંત્ર સાથે હવે પોલીસ તંત્ર પણ એલર્ટ બન્યું છે. કોરોના વાઈરસ સામે તકેદારીના તમામ પગલા લેવા માટે ઉચ્ચ કક્ષાએથી આદેશો થતા તંત્ર દ્વારા તાબાના કર્મચારીને તાકીદે સુચના આપી ધડાધડ કાર્યવાહીના આદેશો થયા છે. મેડીકલ કોલેજના ડીન અને સિવિલના તબીબી અધિક્ષકની આગેવાનીમાં બેઠકો યોજી તમામ તબીબો અને નર્સિંગ સ્ટાફને ખાસ સુચનો આપી કારણ વગર ચારથી વધુ લોકોને ભેગા ન થાય તેનું ધ્યાન રાખવા સિક્યુરીટી ગાર્ડને તૈનાત કરાયા છે તો આઈસોલેશન વોર્ડ ખાતે પણ પોલીસ અને સિક્યુરીટી ગાર્ડનો બંદોબસ્ત ગોઠવાયો છે.
સિવિલ હોસ્પિટલમાં ઓપીડી સહિતના વિભાગોમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટતા હોય છે પરંતુ આજ સવારથી જ સ્વયંભુ કફર્યું જેવો માહોલ જોવા મળ્યો હતો. ઓપીડીનાં દર્દીઓની સંખ્યા પાંખી હતી તો દવાબારી સહિતના વિભાગમાં દર્દીઓને જરૂરી તબીબી સારવાર આપી રવાના કરાયા હતી. ગંભીર બીમારીના દર્દીઓને માસ્ક આપી જાગૃત બનવા અને જરૂર ન પડે તો બહાર ન નીકળવા સુચના અપાઈ છે.