- ગુડગાવ પોલીસે અમદાવાદ, રાજસ્થાન, હરિયાણા, દિલ્લીથી 21 ભેજાબાજોની ધરપકડ કરી
ટેક્નોલોજીના વધતા વ્યાપ સાથે ગઠીયાઓ ટેક્નોલોજીનો ગેરલાભ ઉઠાવી સાયબર ફ્રોડ આચરી રહ્યા છે. દિન પ્રતિદિન સાયબર ફ્રોડના બનાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે જે પોલીસ માટે અત્યંત પડકારજનક છે. ત્યારે 16 હજાર લોકો સાથે રૂ. 125 કરોડની સાયબર છેતરપિંડી આચરનાર ગેંગના 21 મહાઠગની ગુડગાવ પોલીસે ધરપકડ કરી છે.
ગુડગાંવ પોલીસે છેલ્લા બે મહિનામાં ધરપકડ કરાયેલા 21 સાયબર અપરાધીઓ પાસેથી જપ્ત કરાયેલા સિમકાર્ડ અને સેલ ફોનના લિંકેજ વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે, તેમણે દેશભરમાં 16,788 થી વધુ પીડિતો સાથે લગભગ 125.6 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. આરોપીઓ પાસેથી જપ્ત કરાયેલા 16 મોબાઇલ ફોન અને સાત સિમ કાર્ડના આઈફોરસી વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે તેઓ દેશભરમાં નોંધાયેલા 16,788 સાયબર છેતરપિંડીની ફરિયાદો અને 672 સાયબર ક્રાઇમ કેસોમાં સામેલ હતા. જેમાં પીડિતોને 125.6 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડી દેવામાં આવ્યો હતો.
મામલામાં સાયબર ક્રાઇમ એસીપી પ્રિયાંશુ દિવાને જણાવ્યું હતું કે, 672 કેસમાંથી 40 કેસ હરિયાણામાં નોંધાયેલા છે, જેમાં ગુડગાંવમાં 11 કેસનો સમાવેશ થાય છે. શેરબજારમાં રોકાણ છેતરપિંડીમાં 97 લાખ રૂપિયા ગુમાવનાર પીડિતની ફરિયાદ બાદ સાયબર સાઉથ પોલીસે 26 જૂને અજાણ્યા આરોપીઓ સામે આઈપીસીની કલમ 419, 420 અને 120-બી હેઠળ કેસ નોંધ્યો હતો. 9 ડિસેમ્બરે સાયબર સાઉથ પોલીસે ઉત્તરાખંડના બાજપુરના કેશવનગરના રહેવાસી અનીશ નામના શખ્સની ધરપકડ કરી હતી. 28 નવેમ્બરે, શેરબજારમાં રોકાણ છેતરપિંડીમાં, સાયબર ઇસ્ટ પોલીસે સપ્ટેમ્બરમાં પીડિતને 11 લાખ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ રાજસ્થાનના નાગૌર જિલ્લાના ગોવાકલા ગામથી વીરેન્દ્રની ધરપકડ કરી હતી. પાંચ અન્ય કેસોમાં અનેક ધરપકડ કરવામાં આવી હતી. જ્યાં ગુનેગારોએ કુરિયર એજન્સી અને કાયદા અમલીકરણ અધિકારીઓ તરીકે ઓળખ આપીને પીડિતોને છેતર્યા હતા.
વિગતવાર તપાસ પછી પોલીસ ટીમે 24 અને 25 નવેમ્બરના રોજ ગુડગાંવથી ત્રણ આરોપીઓ સચિન, અનમકુમાર અને પંકજ સલુજાની ધરપકડ કરી હતી.આવા જ ચાર વધુ કેસોમાં સાયબર ઇસ્ટ અને સાયબર સાઉથ પોલીસે 8 અને 9 ડિસેમ્બરના રોજ ગુડગાંવથી અન્ય આરોપીઓ, પ્રકાશ ચંદ્ર, રજત, વિકાસ ઉર્ફે વિકી, સુનિલ કુમાર ઉર્ફે લક્ષ્મણ અને દીપક ઉર્ફે મોનુની પણ શહેરના એક પીડિત સાથે 29 લાખ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ ધરપકડ કરી હતી.