ઘાસચારો, પાકને બચાવવા પાણી, માર્કેટયાર્ડોમાં હરાજી પ્રથા ચાલુ કરવા સહિતના મુદ્દે રજુઆત
લોધિકા કિસાન સંઘે કિસાનોની સમસ્યાઓને લઈને રેલી સભાના કાર્યક્રમ થકી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે અને તત્કાલ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા સહિતના મુદ્દે રજુઆત કરવામાં આવી છે. વિવિધ સમસ્યાઓ જેવી કે હાલની અછતની પરિસ્થિતિની પૂર્ણ ગંભીરતાથી સમીક્ષા કરી હજુ પણ જયાં પુરતા પ્રમાણમાં વરસાદ પડેલ નથી ત્યાં અછત/ અર્ધ અછતગ્રસ્ત વિસ્તારો જાહેર કરવા અને ઘાસચારા/ પાણી શકય હોય ત્યાં પાકને બચાવવા પાણી જેવા તત્કાલ રાહતના પગલા ભરવા, પાકવીમા યોજનાને મરજીયાત કરીને હાલ તત્કાલ અન્યાય દુર કરીને જયાં પાક નિષ્ફળ ગયો છે.
ત્યાં નુકસાનીનું સર્વે કરાવીને યોજનાની ખામીઓ દુર કરવા, તમામ માર્કેટયાર્ડોમાં ફરજીયાત હરાજીપ્રથા ચાલુ કરાવવી, આજસુધીના સિંચાઈ સુવિધાથી વંચિત ગામો/ વિસ્તારો માટે નહેરો, તળાવોની યોજના માટે એકશન પ્લાન બનાવવા, ખેતીવાડી સહાય યોજનાઓની (ઓનલાઈન અરજી પ્રથા)ની પૂર્ણ સમીક્ષા કરી સરળ ઝડપી, ભ્રષ્ટાચાર મુકત બનાવવી. જંગલી પ્રાણી જેવા કે ભુંડ, રોઝ વગેરેનું નિયંત્રણ કરવું જેવી માંગ સાથે આવેદનપત્ર આપતી વેળાએ ધીરૂભાઈ છગનભાઈ વાડોદરીયા, પરેશભાઈ રૈયાણી, દિલીપભાઈ સાપરીયા, શૈલેષભાઈ, રાજેશભાઈ રૈયાણી, અશોકભાઈ, કિશોરભાઈ લકકડ, સંદિપભાઈ ડોબરીયા, રાજેશભાઈ દુધાત્રા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.