CCTV લગાવાથી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકી શકાશે
, જામનગર જિલ્લામાં ગુપ્તચર સંસ્થાઓના વખતો-વખતના મળતા અહેવાલો અનુસાર રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતા શખ્શો રાજ્ય બહારથી આવતા હોય છે. જેઓ વાહનોનો ઉપયોગ કરતા હોય છે. તેમજ હાઈ-વે પરની હોટેલોમાં રોકાણ કરે છે. આવા ઈસમો તેમજ લૂંટારાઓ, ધાડુપાડુઓની ગુનાહિત પ્રવૃત્તિઓને કારણે નાગરિકોના જીવ જોખમાય છે. આવા પ્રકારના ગંભીર ગુનાઓ આચરતા લોકોને ગુનો કર્યા બાદ જે-તે સ્થળથી 50-60 કિ.મિ. દૂર જઈને પકડવા માટે તંત્ર માટે મુશ્કેલ બને છે.
તેથી, આવા ગુનેગારોની સહેલાઈથી ઓળખ થઈ શકે તે માટે પેટ્રોલ પંપ, હોટેલો, ટોલ પ્લાઝા જેવી જાહેર જાગ્યાઓ પર નાઈટ વિઝન અને હાઈ ડેફીનેશનવાળા સી.સી.ટી.વી. કેમેરા મુકવામાં આવે તે જરૂરી જણાય છે. તેમજ કોલેજોની આસપાસ છેડતી, મારામારી, ચોરી જેવા બનાવો નિવારી શકાય તે માટે પણ સી.સી.ટી.વી. કેમેરા મુકવા આવશ્યક જણાય છે. શહેરમાં શાંતિ અને જાહેર વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે અને ઉપરોક્ત સ્થળોએ બનતા ગુનાઓ નિવારી શકાય તે હેતુથી, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી બી.એન.ખેર, જામનગર દ્વારા જિલ્લામાં જાહેર જગ્યાઓ પર સી.સી.ટી.વી. કેમેરા લગાવવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
ઉક્ત પ્રતિબંધાત્મક જાહેરનામામાં જણાવ્યા અનુસાર, જામનગર શહેર અને જિલ્લાના તમામ રાજ્ય ઘોરી માર્ગ પર આવેલા પેટ્રોલ પમ્પ, ટોલ પ્લાઝા, તમામ બેંકો, એ.ટી.એમ. સેન્ટરો, માન્યતા ધરાવતા ખાનગી ફાયનાન્સરો, શરીફ, સોના-ચાંદી અને કિંમતી ઝવેરાતના શો-રૂમ, લાયસન્સવાલ નિવાસી હોટેલો, ગેસ્ટ હાઉસ, મોટા રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ, મલ્ટીપ્લેક્ષ થિયેટર, જિનિંગ મિલ, ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ કોલેજો, કોમર્શિયલ કોમ્પલેક્ષ તથા શોપિંગ મોલના અંદર ગ્રાંઉડ પાર્કિંગ જેવા તમામ સ્થળોએ નાઈટ વિઝન અને હાઈ ડેફીનેશનવાળા રેકોર્ડિંગ સિસ્ટમ સહિતના સી.સી.ટી.વી. કેમેરાઓ મુકવા માટે હુકમ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત, ઉક્ત જણાવેલા તમામ એકમોએ અગાઉ જો આવા કેમેરા લગાવ્યા હોય તો તે અત્યારે ચાલુ હાલતમાં રહે તે જોવાનું રહેશે. નવા શરુ થતા એકમોએ આ વ્યવસ્થા કર્યા બાદ જ તેમનો ધંધો/વ્યવસાય શરૂ કરવાનો રહેશે. આવા તમામ સ્થળોએ જ્યાં લોકો/વાહનોનો પ્રવેશ હોય તો ત્યાં તેમજ અંદરના ભાગે તમામ જગ્યાઓ આવરી લે તેટલી સંખ્યામાં સારી ગુણવત્તાવાળા, વધુ રેન્જ ધરાવતા હોય, માણસોના ચહેરા સ્પષ્ટ રીતે ઓળખી શકાય તેમજ વાહનોના નંબર સ્પષ્ટ રીતે વાંચી શકાય તે પ્રકારના સી.સી.ટી.વી. કેમેરા ગોઠવવાના રહેશે.
જે ગ્રાન્ટેડ કોલેજોએ હાયર ઓથોરિટીની મંજૂરી મેળવવાની થતી હોય, તો તે કોલેજોએ મંજૂરી મેળવવાની કામગીરી એક માસમાં પૂર્ણ કરવાની રહેશે. તેમજ મંજૂરી મેળવવા માટે કરેલ કાર્યવાહીની લેખિત જાણ પોલીસ અધિક્ષકશ્રીને કરવાની રહેશે. આ ઉપરાંત, સી.સી.ટી.વી. કેમેરાના રેકોર્ડિંગ સતત 24 કલાક ચાલુ રાખવના રહેશે, અને તેનો ડેટા ઓછામાં ઓછા 30 દિવસ સુધી જાળવવાનો રહેશે.
તેમજ, આ સી.સી.ટી.વી. કેમેરાના રેકોર્ડિંગ્સ પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી કે તેથી ઉપરના દરજ્જાના તમામ પોલીસ તપાસનીશ પોલીસ અધિકારીશ્રીને માંગણી થાયે જોવા દેવાના રહેશે, અને ગુન્હાની તપાસના કામ સમયે તેવા તમામ રેકોર્ડિંગ્સ આપી દેવાના રહેશે. ઉક્ત પ્રતિબંધાત્મક હુકમ આગામી તા.20/10/2023 સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાંના હુકમનું ઉલ્લંઘન કરનારી વ્યક્તિ ભારતીય ફોજદારી અધિનિયમ-1860ની 45માં અધિનિયમની કલમ-188 મુજબ સજાને પાત્ર થશે.
સાગર સંઘાણી