વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાજ્ય સરકારની સતર્કતા અને સમયબદ્ધ આયોજન તથા વિવિઘ વિભાગોની સરાહનીય કામગીરી : મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલ

 મહેસુલ મંત્રી  કૌશિકભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં ચાલુ મોસમ દરમિયાન ૮૪ ટકાથી વધુ સરેરાશ વરસાદ થયો છે. અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ થવાથી જનજીવન પ્રભાવિત થયું  હતું. પરંતુ, રાજ્ય સરકારની સતર્કતા અને સમયબદ્ધ આયોજનના પરિણામે કોઇ મોટી જાનહાની થઇ નથી.

 પટેલે ઉમેર્યું કે, ભારે વરસાદને પરિણામે ઉભી થતી પરિસ્થિતિને પહોંચી વળવા માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ દ્વારા સતત મોનીટરીંગ અને માર્ગદર્શનના પરિણામે વહીવટીતંત્ર દ્વારા સમયબદ્ધ આયોજન થયું. મુખ્યમંત્રી દ્વારા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રૂબરૂ સમીક્ષા કરીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેના પરિણામે રાજ્યમાં પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં જનજીવનને વધુ નુકશાન થયુ નથી અને ઝડપથી રાબેતા મુજબ બનાવી શકાયું છે.  તેમણે ઉમેર્યું કે, ચાલુ મોસમમાં રાજ્યના વલસાડ, ભરૂચ, નવસારી, વડોદરા, ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર અને કચ્છ મળી કુલ ૧૮ જિલ્લાઓ ભારે વરસાદથી પ્રભાવિત થયા હતા ત્યાં સ્થાનિક વહીવટીતંત્રની સતર્કતા અને આયોજનને પરિણામે અત્યાર સુધીમાં ૫૯,૪૪૮ નાગરિકોને ૧૦૨ જેટલા વિવિઘ આશ્રયસ્થાનોમાં સલામત સ્થળે ખસેડાયા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં એન.જી.ઓ. તથા જનભાગીદારી થકી ૮,૦૯,૮૭૦ જેટલા ફુડ પેકેટ્સનું પણ વિતરણ તથા સ્થાનિક કક્ષાએ જમવાની વ્યવસ્થા ઉપલબ્ઘ કરવામાં આવી હતી.

 પટેલે કહ્યું કે, ભારે વરસાદથી અસર પામલા જિલ્લાઓમાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના સહયોગથી રાહત બચાવની કામગીરી હાથ ધરી હતી. જેમાં ૨૪ એનડીઆરએફ અને ૧૧ એસડીઆરએફની ટીમો દ્વારા શ્રેષ્ઠ રાહત બચાવની કામગીરી કરી છે. સાથે સાથે સ્થાનિક પોલીસ તંત્ર અને મહેસુલ વિભાગના સંકલનના પરિણામે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. નવસારી, નર્મદા, ભરૂચ, વલસાડ, સરત, વડોદરા, સુરેન્દ્રનગર, જામનગર, ખેડા, મોરબી, કચ્છ અને અમદાવાદમાંથી ૧,૦૮૦ નાગરિકોને રેસ્ક્યુ દ્વારા બચાવાયા છે. ઇન્ડિયન એર ફોર્સ દ્વારા પણ નવસારી, સુરત, સુરેન્દ્રનગર, જામનગર, કચ્છ જિલ્લામાં નાગરિકો પૂરના પાણીમાં ફસાયા હતા એ  ૧૯૫ નાગરિકોને એરલીફટ કરીને બચાવી લેવાયા છે અને બાકીના લોકોને એનડીઆરએફ ટીમ દ્વારા બચાવી લેવાયા છે. સાથે સાથે વડોદરા અને રાજકોટ ખાતે બે આર્મીની ટીમ દ્વારા રેસ્કયુ કામગીરી કરાઇ છે.

 પટેલે ઉમેર્યું કે, પૂરથી પ્રભાવીત થયેલા ૧૦ જિલ્લાના ૨,૨૨,૪૮૭ વ્યક્તિઓને રાજ્ય સરકાર દ્વારા ૪૦૮ લાખની રકમ કેશડોલ્સ પેટે ચૂકવી દેવાઇ છે તથા રાજયનાં ૫ જિલ્લામાં ૬૩૨ લાખની ઘરવખરી સહાય ચૂકવાઇ દેવામાં આવેલ છે. ભારે વરસાદને પરિણામે રાજ્યભરમાં ૮,૪૦૦ ગામોમાં વીજ પુરવઠાને અસર થઇ હતી તે પૈકી ૮,૩૪૨ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો છે. ૫૮ ગામોમાં કામગીરી પ્રગતિમાં છે જે સત્વરે પૂર્વવત કરાશે. આ જ રીતે વરસાદથી એસ.ટી.ના ૧,૨૭૭ રૂટ અને ૯,૨૯૨ ટ્રીપો બંધ થઇ હતી તે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની સરાહનીય કામગીરીને પરિણામે તમામ રૂટ પુન:પ્રસ્થાપિત કરી દેવાયા છે. એ જ રીતે વાહન વ્યવહાર માટે જે રસ્તાઓ અસર પામ્યા હતા તે તમામ પુન:પ્રસ્થાપિત કરી દેવાયા છે. આજ સુધીમાં ૪ સ્ટેટ હાઇવે, ૭ અન્ય માર્ગો, ૯૮ પંચાયત માર્ગો મળી કુલ ૧૦૯ રસ્તાઓ બંધ છે જે તાત્કાલિક શરૂ થાય એ માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

 પટેલે ઉમેર્યું કે, રાજ્યમાં ચાલુ મોસમ દરમિયાન ૮૪ ટકા જેટલો સરેરાશ વરસાદ વરસી ગયો છે. ૨૫૧ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. દરેક તાલુકામાં કુલ ૫ ઇંચ કરતાં વઘુ વરસાદ થયેલ છે. ૧૦૦ તાલુકાઓ એવા છે કે, જેમાં ૨૫૧ થી ૫૦૦ મી.મી. જેટલો અને ૯૩ તાલુકાઓમાં ૫૦૧ થી ૧,૦૦૦ મી.મી. જેટલો વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પરિણામે રાજ્યના ૫૨ જળાશયોને હાઇ એલર્ટ, ૧૦ જળાશયોને એલર્ટ અને ૭ જળાશયોને વોર્નિંગ આપવામાં આવી છે. આજની તારીખે નર્મદા ડેમ ૧૩૧.૮૬ મીટરની સપાટીએ છે. ૧,૧૭,૧૭૬ ક્યુસેક પાણીની આવક છે. કડાણા ડેમ ૧૨૬.૮૫ મીટરે છે, જેમાં ૧૬,૨૪૯ ક્યુસેક પાણીની આવક છે. ઉકાઇ ડેમ ૧૦૨.૭૦ મીટરે છે અને ૮૨,૯૪૯ ક્યુસેક પાણીની આવક અને કરજણ ડેમ ૧૦૯.૬૦ મીટર પર અને ૮,૫૭૨ કયુસેક પાણીની આવક તથા દમણગંગા ડેમ ૭૫.૮૦ મીટર પર છે જેમાં ૯,૯૬૨ ક્યુસેક પાણીની આવક છે તેમ તેમણે ઉમેર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.