રેસકોર્સ રીંગ રોડને પાણીથી થતી નુકશાનીથી બચાવવા ખાસ આયોજન
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે જાહેર કરવામાં આવેલા ડ્રાફ્ટ બજેટમાં શહેરના અલગ-અલગ વિસ્તારોમાં રોડ-રસ્તાના કામો માટે રૂ.134.30 કરોડની માતબર જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરની શાન એવા રેસકોર્ષ રિંગ રોડને વરસાદી પાણીથી થતી નુકશાનીથી બચાવવા માટે ખાસ પ્રકારનું આયોજન જાહેર કરવામાં આવ્યું છે.
સેન્ટ્રલ ઝોન, વેસ્ટ ઝોન અને ઇસ્ટ ઝોન વિસ્તારમાં જુદા-જુદા રોડ-રસ્તા પર મેટલીંગ કરવા, કાર્પેટ, રિ-કાર્પેટ, ડિઝાઇન રસ્તા અને સિમેન્ટ ક્રોંકિટ રસ્તા બનાવવા માટે રૂ.134.30 કરોડની જોગવાઇ બજેટમાં વિવિધ હેડ હેઠળ રાખવામાં આવી છે. જે પૈકી મેટલીંગ રસ્તા માટે 12.40 કરોડ, ડિઝાઇન રોડ માટે 39.57 કરોડ, પેવર રસ્તા માટે 23.06 કરોડ, સિમેન્ટ રોડ માટે 11.04 કરોડ, પેવર રિ-કાર્પેટ માટે 48.23 કરોડની જોગવાઇ કરાઇ છે.
નવા ભળેલા વિસ્તારોમાં મેટલીંગ રસ્તા માટે 8.60 કરોડ ફાળવવામાં આવ્યા છે. રેસકોર્ષ પર હયાત 2.6 કિ.મી.ના રસ્તાને પાણીથી નુકશાની ન થાય તે માટે પાયલોટ પ્રોજેક્ટ તરીકે 15000 ચો.મી. પોલીમરાઇઝ બ્યૂટીમીમ દ્વારા રસ્તો વિજી-40 ગ્રેડના ડામરથી મરામત કરવામાં આવશે. જેનાથી રોડનું આયુષ્ય વધશે.