સુધારાથી છંતરપિંડીના કિસ્સા વધશે
ગ્રેટર રાજકોટ ચેમ્બરની નાણામંત્રી, વડાપ્રધાનને રજૂઆત
ચેક રિટર્નને ફોજદારી ગુનો નહી ગણવાનો કાયદાનો સુધારો વેપારીઓના હિતમાં નથી તેમ ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ ફોનર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝને નાણામંત્રી અને વડાપ્રધાનને રજૂઆત કરી જણાવ્યું છે.
હાલમાં સને ૧૮૬૧ ના નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટના કાયદા હેઠળ અમલમાં રહેલ કાયદાની કલમ- ૧૩૮ તથા ૧૪૩(૧) મુજબ નાણાકીય વ્યવહારમાં આપવામાં આવેલ ચેક જો પરત ફરે તો ચેક આપનાર સામે ફોજદારી ગુન્હો બને છે. અને નાણા માંગનાર વ્યકિત ચેક આપનાર સામે કાયદેસરની કાર્યવાહી કરી બાકી રહેતા નાણા વસુલ કરી શકે તેવી કાયદામાં જોગવાઇ રહેલ છે. જેથી વેપારીઓમાં ચેક આપતા અગાઉ ચેક રીટર્ન ન થાય તેની તકેદારી અને કાળજી રાખવાની ચીવટ રહે છે. અને આમ વેપારીએ નાણા માંગનાર વેપારીને કે લેણદારને વિશ્વાસઘાત થઇ શકે નહી તેવો માનસીક ડર રહે છે. હવે જયારે આ કાયદામાં છુટછાટ આપીને કાયદાને હળવો કરવામાં આવે અને ડિક્રિમીનલાઇઝેશન કરવામાં આવે તો સ્વાભાવિકપણે ફ્રોડ કરનાર વેપારીઓને છુટો દોર મળી શકે. ફ્રોડ કરનાર માણસ વેપારીને કે લેણદારને વચન આપી વિશ્વાસ આપી ખોટા ચેક ઇસ્યુ કરી સહેલાઇથી છેતરપીંડી કરી શકશે. તેથી હાલમાં રહેલ કાયદામાં ડિક્રિમીનલાઇઝેશન કરવું વેપારીના હિતમાં રહેલ નથી.
આ અંગે કાયદામાં પરીવર્તન કરવા માટે આ વિષયે વિસ્તૃત ચર્ચા કરવા અને પરીવર્તન કરવુ જરૂરી જણાય તો સમાજ અને વેપારીના હિતમાં કેવુ પરીવર્તન કરવુ જોઇએ તે નક્કી કરવા કમીટીની રચના કરવી જોઇએ.
આ કમીટીમાં લાગતાવળગતા સર્વે વર્ગોને જેવા કે વેપારી સંસ્થાઓના પ્રતિનિધિ, સામાજીક સંસ્થાઓના પ્રતિનિધિ, આર્થિક વ્યવહાર કરતી સંસ્થાઓના પ્રતિનિધિ, સમાજસેવી સંસ્થાઓના આગેવાનો, વકિલ મંડળોના પ્રતિનિધિ વગેરે જુદા જુદા વર્ગના લોકોનો સમાવેશ કરી આ વિષયે ચર્ચા વિચારણા કરવી જોઇએ.
ચર્ચા વિચારણાને અંતે મળેલ નિષ્કર્ષ પ્રમાણે પાલાર્મેન્ટ દ્વારા કાયદામાં જરૂરી જણાય તો ફેરફાર કરવા જોઇએ, નહી તો કાયદાનો રહેલ ડર જતો રહેશે અને અગાઉ જયારથી આ કાયદાના સેકશન-૧૩૮ અને ૧૪૩(૧) નો અમલ શરૂ થયો તે પૂર્વેની સ્થિતિ ફરી વખત ઉપસ્થિત થશે. આવી સ્થિતિમાં વેપારી અને સામાજીક વ્યવહારોમાં અવિશ્વાસ ઉભો થશે. જેનો ગેરલાભ ફ્રોડ કરનાર વ્યકિતઓ ઉઠાવશે. તેવી દહેશત રહેશે.
આ અંગે સંપૂર્ણ વિગતવાર રજુઆત સેક્રેટરી ફાઇનાન્સીયલ સર્વિસીસ સમક્ષ વાંધારૂપે ગ્રેટર રાજકોટ ચેમ્બર દ્વારા રજુઆત કરવામાં આવેલ છે. અને જેની નકલ નાણામંત્રી તથા વડાપ્રધાન સમક્ષ રજુ કરવામાં આવી છે તેમ ગ્રેટર રાજકોટ ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઇ વોરા, ઉપપ્રમુખ રાજીવભાઇ દોશી તથા માનદ ઇન્ચાર્જ મંત્રી ઇશ્વરભાઇ બ્રાંભોલીયાએ જણાવ્યું છે.