દારૂ ભરી નીકળેલ કારનો જૂનાગઢ પોલીસે પીછો કરતા કારચાલક પૂરઝડપે પોતાની કાર લઇને નાઠયો હતો. તે દરમિયાન મેંદરડા – જુનાગઢ હાઇવે રોડ ઉપર અલીધ્રા ગામ નજીક દારૂ ભરેલી કાર મોટર સાયકલ સાથે અથડાતા એક દંપતી નંદવાયુ હતું. જો કે, પોલીસે તે જ ક્ષણે આરોપીને હસ્તક કરી લીધો હતો અને કારની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ મળી આવતા પોલીસે આ ઘટનામાં બે શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી પકડાયેલા આરોપીની રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
પોલીસ માંથી પ્રાપ્ત વિગતો અનુસાર, જૂનાગઢના હાઉસીંગ બોર્ડમાં રહેતા અને એક ટ્રાવેલ્સ કંપનીમાં નોકરી કરતો વિક્રમ ગોગનભાઇ ખુંટી (ઉ.વ. 21) પોતાની હવાલાવાળી કાર લઈને
શંકાસ્પદ રીતે સી ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી નીકળ્યો હતો અને પોલીસને શંકા જતા કારને રોકાવાનો પ્રયત્ન કરતા કાર ચાલક વિક્રમ ખુંટી ત્યાંથી કાર વધુ સ્પીડે ચલાવી નાસ્યો હતો, અને પોલીસ તેની પાછળ હતી ત્યારે મેંદરડા – જુનાગઢ હાઇવે રોડ પર અલીધ્રા ગામથી આગળ કાર ચાલકે પોતાની કારને રોંગ સાઇડમાં ચલાવી સામેથી આવતી ટુ-વ્હિલર સાથે ભટકાવી દેતા ટુ-વ્હિલર ચાલક હરેશભાઇ ચનાભાઇ વાઘેલા (રહે. ડેડકીયાળી) તથા પત્ની શિલ્પાબેનને ઇજા છતાં ઇજાગ્રસ્ત આ દંપતીને 108 દ્વારા જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવેલ તે દરમિયાન ટુ વ્હીલ ચાલક હરેશભાઇ વાઘેલાનું મોત નિપજ્યું હતુ.
દરમિયાન મેંદરડા પો.સ ઇ. કે.એમ.મોરી તથા સ્ટાફ દ્વારા કારની તલાસી લેતાા કાર ચાલક વિક્રમભાઇ ગોગનભાઇ ખુંટીની હવાલા વાળી સ્વિફ્ટ ફોર વ્હિલ કાર રજી નંબર GJ-25- AA-3868 માંથી ઇન્ગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ-29 કિ.રૂ. 11,600 તથા ખાલી ખોખા અને તુટેલ બોટલો નંગ 19 મળી આવતા હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ ફોર વ્હિલ કાર કિ. રૂ. 2,00,000 ની તથા એક મોબાઇલ ફોન કિ.રૂ. 5000 નો મળી કુલ કિ. રૂ. 2,16,600 નો પ્રોહી મુદામાલ પોલીસે કબજે કર્યો હતો. અને આરોપી વિક્રમ ખુંટી ની પોલીસે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો તેમણે જૂનાગઢના ભુપત ઉર્ફે ભીમો ડાયાભાઇ શામળા એ મોકલાવ્યું હોવાનું ખુલતા પોલીસે વિક્રમ ખુંટી તથા ભુપત ઉર્ફે ભીમો ડાયાભાઇ શામળા સામે પ્રોહીબીશન એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી ભૂપત ઉર્ફે ભીમો શામળાને પકડી પાડવા તજવીજ હાથ ધરી હતી. અને પકડાયેલા આરોપીના રિમાન્ડ મેળવવા પોલીસે કાર્યવાહી કરી છે.