ચાલુ ચોમાસાની મોસમમાં વરસાદ ખેંચાતા આગામી દિવસોમાં જામનગરમાં પાણી કટોકટીના એંધાણો વર્તાઈ રહ્યા છે. જો વરસાદ વધુ દિવસો ખેંચાય તો તેવા સંજોગોમાં તેના આગોતરા આયોજન રૂપે હૈયાત પાણીનો જથ્થો વધારે દિવસો સુધી ઉપયોગમાં લઈ શકાય તે હેતુથી જામનગરમાં વધારાનો એક દિવસનો પાણી કાંપ ઝીંકવા તંત્રએ તૈયારી કરી છે. આ માટે આજે સાંજે અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે બેઠક યોજવામાં આવી છે જેમાં લેવનારા નિર્ણય પછી તેની અમલવારી થશે.
જામનગર શહેરમાં હાલ છેલ્લા દોઢ દાયકાથી એકાંતરા પાણી વિતરણ કરવામાં આવે છે. એકાંતરા પાણી વિતરણ માટે દૈનિક ૧૦પ એમ.એલ.ડી. પાણીની જરૂરિયાત રહે છે.
આ માટે હાલમાં ઊંડ-૧ માંથી ૩૦ એમ.એલ.ડી., રણજીતસાગર ડેમમાંથી ર૮ એમ.એલ.ડી. અને નર્મદાનું ૪પ એમ.એલ.ડી. મળી કુલ ૧૦૪ એમ.એલ.ડી. પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ બે અઠવાડિયા પછી રણજીતસાગર ડેમ ડૂકી જશે એટલે કે તેમાંથી હાલ મળતો ર૮ એમ.એલ.ડી. પાણીનો જથ્થો લગભગ અડધો થઈ જશે. આમ બે અઠવાડિયા પછી જામનગર માટે ૧૪ થી ૧પ એમ.એલ.ડી. પાણીના જથ્થાની ઘટ ઊભી થશે. આ ઘટને પહોંચી વળવા એક માત્ર નર્મદાના પાણી ઉપર આધાર છે.
પરંતુ નર્મદાના નીર પણ હવે સહેલાઈથી વધી શકે તેમ નથી. કારણ કે હાલ માળિયા કેનાલનું રીપેરીંગ કામ ચાલુ છે. તે કામ ક્યારે પુરૂ થાય તેની કોઈ સમય ગણતરી નથી. આ પછી નર્મદાની કેનાલમાં પાણી ઠાલવાય અને કેનાલનું પાણી આજી-૩ માં ઠાલવવામાં આવે અને એ પછી પાઈપલાઈન મારફત જામનગર સુધી લાવવામાં આવે તો પાણી સમસ્યા હળવી થઈ શકે, પરંતુ આ પ્રક્રિયા લાંબી છે અને સમય પણ માંગી લે તેવી છે.
હાલ તો યથાવત્ ધોરણે પાણી વિતરણ કરવામાં આવે તો બે અઠવાડિયા પછી પાણી વિતરણમાં વિક્ષેપ ઊભો થાય તેમ છે. આથી આ સમસ્યાને પાછી ઠેલવા માટે વધારાનો પાણી કાપ એ એક માત્ર ઉકેલ છે. આથી જામનગર મહાનગરપાલિકાના વહીવટકર્તાઓ દ્વારા વધારાનો વધુ એક દિવસનો પાણી કાપ લાદવા વિચારણા થઈ રહી છે અને આ અંગે આજે સાંજે પાંચ વાગ્યે મ્યુનિ. કમિશનર આર.બી. બારડ દ્વારા એક અગત્યની મિટિંગ યોજવામાં આવી છે.
તેમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓ અને વોટર વર્કસ શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહેનાર છે.મળતી માહિતી મુજબ સાંજે આખરી નિર્ણય લેવામાં આવ્યા પછી શહેરમાં પાણી કાપ લાદવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે હજુ બે-ચાર દિવસ પહેલા જ જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ ગાંધીનગરમાં મહાનુભાવોના દરબારમાં સલામ મારવા પહોંચ્યા હતાં અને જામનગરને વધુ પાંચ એમ.એલ.ડી. પાણી આપવાનું મુખ્યમંત્રીએ વચન આપ્યું હોવાનું જામનગર આવીને જણાવ્યું હતું,
પરંતુ આ પાંચ એમ.એલ.ડી. પાણીનો જથ્થો ક્યારે વધશે તેનો કોઈ ચોક્કસ સમય જાહેર થયો નથી. હકીકતે નર્મદાનું પાણી વધુ વહન કરવા માટે હૈયાત પાઈપલાઈન સક્ષમ છે? તે પણ મણ એકનો સવાલ છે.’સો વાતની એક વાત’ હવે જામનગરના નગરજનોએ વધારાના પાણી કાપ માટે તૈયારી રાખવી પડશે. સાંજની મિટિંગમાં પદાધિકારીઓ તરફથી લીલીઝંડી મળ્યા પછી અધિકારી દ્વારા પાણી કાપ ઝીંકી દેવામાં આવશે.