ભચાઉ સમાચાર
સામખિયાળી રાધનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના લાકડિયા નજીક આજે વહેલી સવારે ત્રણ માલવાહક ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના સર્જાઈ હતી. જેમાં સામખિયાળીથી ચિત્તોડ તરફના માર્ગે ઊભેલી બે ટ્રકમાં ઘસમસતી આવતી ટ્રક પાછળથી ધડાકાભેર ટકરાઈ પડી હતી, જેને લઇ ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અચાનક ટકરાઈ પડેલી ટ્રકથી ઊભેલી ટ્રકના ચાલકોમાં અફડતફડી મચી ગઇ હતી અને પસાર થતાં અન્ય વાહનો થંભી ગયા હતા. સદનસીબે આ ઘટનામાં જાનહાનિ થઈ નથી. પરંતુ અકસ્માતના કારણે ત્રણ કલાક સુધી ટ્રાફિકજામની સમસ્યા ઉદભવી હતી. હાલ લાકડિયા પોલીસ અને માખેલ હાઇવે પેટ્રોલીંગની ટીમ દ્વારા ક્રેન મારફતે વાહનો ખસેડવાની કામગીરી ચાલી રહી છે, જ્યારે અટવાયેલા વાહનો ધીમી ગતિ સાથે આગળ વધી રહ્યા છે.
અકસ્માત અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ લાકડિયા ધોરીમાર્ગ પરની ગેલ કંપની નજીક હોટેલ દેવ નારાયણ પાસે આજે ગુરુવારે સવારે 6.30ના અરસામાં ત્રીપલ અકસ્માતની ઘટના સર્જાઇ હતી. જેમાં એક ટ્રકમાં ખામી સર્જાતા તેને માર્ગની બાજુમાં ઉભી રાખી સલામતી માટે અન્ય એક ટ્રકને તેના બચાવ માટે પાછલ ઉભી રખાઈ હતી,
આ દરમિયાન આરસ પથ્થરનો પાવડર ભરેલી ટ્રક અચાનક ચડી આવી હતી અને ધડાકાભેર ઊભેલી ટ્રક સાથે અથડાઈ પડી હતી. જેમાં ટ્રકની આગળની કેબિનો ભાગ ભાંગી પાડયો હતો જ્યારે તેના ચાલકને હળવી ઈજાઓ પહોંચતા હાઇવે એમ્બ્યુન્સ દ્વારા સારવાર અપાઇ હતી. અકસ્માતના પગલે ત્રણ કલાક સુધી ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિકજામ પણ સર્જાયો હતો. હાલ ટ્રાફિક ધીમી ગતિએ આગળ વધી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.