મોરબી પંથકમાં વધી રહેલું અકસ્માતનું પ્રમાણ ચિંતાજનક : લોકોએ સ્વેચ્છાએ ટ્રાફિક નિયમોનું પાલન કરવુ હિતાવહ: તંત્રએ પણ વિશેષ ધ્યાન આપવાની જરૂર
મોરબી જિલ્લામાં છેલ્લા ૧૦ દિવસમાં અકસ્માતોની વણઝાર સર્જાઈ છે. ૧૦ દિવસ દરમિયાન સર્જાયેલી અકસ્માતની હારમાળામાં ૧૧ લોકોએ જીવ ગુમાવ્યા છે. સૌથી વધુ મોરબી શહેરની હદમાં ૮ અકસ્માત નોંધાયા છે. વધતા જતા અકસ્માતની નોંધ લઈને તંત્ર એ જરૂરી પગલાં લેવાની જરૂર વર્તાઈ રહી છે.
છેલ્લા ઘણા સમયથી મોરબી પંથકમાં અકસ્માતનું પ્રમાણ વધ્યુ છે. ક્યાંક તંત્રના વાંકે તો ક્યાંક ટ્રાફિક અવેરનેસના અભાવે અનેક લોકોના જીવ ગયા છે. છેલ્લા ૧૦ દિવસની વાત કરવામાં આવે તો મોરબી જિલ્લામાં કુલ ૧૧ અકસ્માત સર્જાયા છે. જેમાં ૧૧ લોકો ના મોત નિપજ્યા છે. છેલ્લા ૧૦ દિવસ દરમિયાન મોરબીમાં ૮, વાંકાનેરમાં ૧, માળિયામાં ૧ અને ટંકારામાં ૧ અકસ્માત સર્જાયો છે.
સૌથી વધુ નેશનલ હાઈ વે , નવલખી ફાટક અને માળીયા ફાટક પાસે અકસ્માતો સર્જાયા છે. આ વિસ્તારમાં ભૂતકાળમાં પણ અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે જવાબદાર તંત્રએ આ જગ્યા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી અકસ્માતના વધુ બનાવો ન બને તે માટે જરૂરી પગલાં લેવાની જરૂર છે. હાલ મોરબી જિલ્લામાં અકસ્માતોનું વધતું જતું પ્રમાણ ચિંતાજનક છે. વાહન ચાલકોએ પણ ટ્રાફિક નિયમોનું સ્વેચ્છાએ પાલન કરવાની જરૂર છે.કારણકે વાહન ચલાવતી વખતે થયેલી એક ભૂલ પણ જીવને જોખમમાં મૂકી શકે છે.તા.૧૭એ માળીયા નજીક ટ્રેલર અને આઇસર વચ્ચેના અકસ્માતમાં ૧નું મોત નીપજ્યું હતું. તા.૧૮એ લાલપર પાસે રીક્ષા અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત થયું હતું. તા.૨૦એ મોરબીના કુબેર સિનેમા પાસે બંધ ટ્રક પાછળ બાઈક ઘુસી જતા યુવાનનું મોત થયું હતું. આજ દિવસે જાંબુડિયા નજીક ચાલીને જતા આધેડ પર કાર ફરી વળતા તેનું પણ મોત નીપજ્યું હતું. તા.૨૧એ મોરબીના બગાથળા ગામે મૃત કૂતરા પર બાઈક ચડી જતા યુવાનનું મોત તેમજ હળવદના મિયાણી ગામે અજાણ્યા વાહન હડફેટે બીજા યુવાનનું મોત નીપજ્યું હતુ.
તા.૨૨એ માળીયા ફાટક પાસે ટ્રક હડફેટે અખબાર વિતરકનું મોત તેમજ મોરબી હાઇવે પર બંધ ટ્રક પાછળ ટ્રેલર ઘુસી જતા ડ્રાઇવરનું મોત થયું હતું. તા.૨૩ના રોજ નવલખી ફાટક પાસે ટ્રક હડફેટે છાત્રનું મોત નીપજ્યું હતું. તા.૨૪એ જેતપર પીપળીયા રોડ પર આઇસર હડફેટે યુવા ઉદ્યોગપતિનું મોત નીપજ્યું હતું.ઉપરાંત તા.૨૬ એટલે કે આજ રોજ ટંકારાના ધ્રુવનગર પાસે બે ટ્રક અથડાતા ૧નું મોત થયું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,