મોટી બોટે નાની બોટને ઠોકરે લેતા ચાર ખલાસીઓ ડુબ્યા: અઢી કલાક તર્યા બાદ ત્રણ ખલાસીનો બચાવ
ચોરવાડની નાની બોટ ગઈકાલે ફિશીંગ કરી રહી હતી ત્યારે રાત્રીનાં સમયે એક મોટી બોટે તેને ટકકર મારતા તે ઉંધી વળી ગઈ હતી અને તેમાં રહેલા ચારેય ખલાસીઓ દરિયામાં ઉથલી પડયા હતા. જેમાં એક યુવાનનું મોત નિપજયું હતું. જયારે ૩ ખલાસીઓ અઢી કલાક સુધી દરિયામાં તરતા રહ્યા બાદ બીજી એક બોટે ત્રણેયને બચાવી લીધા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ, ચોરવાડની જી.જે.૧૧ ૨૮૫ નંબરની રંગીલા નામની પીલાણા તરીકે ઓળખાતી નાની બોટ ગઈકાલે રાત્રે ચોરવાડથી ૨૨ નોટીકલ માઈલ દુર દરિયામાં ફિશીંગ કરી રહી હતી. રાત્રે બે થી અઢી વાગ્યાના અરસામાં એક મોટી બોટ ધસી આવી હતી અને પીલાણાને ટકકર મારી નાસી છુટી હતી. આ ટકકરને લીધે બોટમાં રહેલા ૪ ખલાસીઓ ચુનીલાલ ધનજી સોલંકી (ટંડેલ), રાજેન્દ્ર ચુનીલાલ સોલંકી, પરેશ ગોવિંદ સોલંકી અને સુરેશ નારણ પરમાર દરિયામાં ઉથલી પડયા હતા. તેઓએ બુમો પાડી હતી પરંતુ ટકકર માર્યા બાદ બોટ ખલાસીઓને બચાવવાને બદલે રાત્રીના અંધકારનો લાભ લઈ નાસી છુટી હતી. રાત્રે અઢી વાગ્યે આ ઘટના બન્યા બાદ ચુનીલાલ, રાજેન્દ્ર અને સુરેશ પાણીમાં તરતા રહ્યા હતા પરંતુ પરેશનું પાણીમાં ડુબી જતા મોત નિપજયું હતું. વ્હેલી પરોઢે સાડા ચાર વાગ્યાના અરસામાં ત્યાંથી પસાર થતી બીજી એક બોટે ત્રણેય ખલાસીઓની બુમો સાંભળી તેઓને બચાવી લીધા હતા અને ૪:૪૫ વાગ્યે ચોરવાડ બંદરે લાવ્યા હતા જયાં બનાવની જાણ થતા માંગરોળથી માછીમાર આગેવાન વેલજીભાઈ મસાણી, તુલસીભાઈ ગોહેલ, સાંસદ રાજેશ ચુડાસમા સહિતના આગેવાનો દોડી આવ્યા હતા.