વહેલી સવારે અમદાવાદી રાજકોટ તરફ આવતી અર્ટીગા કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો: ઈજાગ્રસ્ત પાંચ વ્યક્તિઓને સારવારમાં લીંબડી અને રાજકોટ ખસેડાયા
અમદાવાદ-લીંબડી હાઈવે પર આવેલા કાનપરા ગામના પાટીયા પાસે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અલ્ટીકા કારનું ટાયર ફાટતા ડમ્પર પાછળ કાર ધડાકાભેર અડાઈ હતી. અકસ્માતમાં ઘટના સ્થળે જ બે વ્યક્તિઓના મોત નિપજયા હતા. જ્યારે અન્ય પાંચ વ્યક્તિઓને શરીરે નાની-મોટી ઈજા પહોંચતા તેને સારવારમાં લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અંગેની પોલીસમાંથી મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે રાજકોટનો પરિવાર પોતાની અલ્ટીકા કારમાં રાજકોટ તરફ આવી રહ્યાં હતા ત્યારે અમદાવાદ, લીંબડી નેશનલ હાઈવે પર આવેલા કાનપરા ગામના પાટીયા પાસે પહોંચતા અલ્ટીકા કારનું ટાયર ફાટતા ડ્રાઈવરે સ્ટીયરીંગ પર કાબુ ગુમાવતા ડમ્પર પાછળ કાર ધડાકારભેર અડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ઘટના સ્થળે બે વ્યક્તિઓના મોત નિપજયા હતા. જ્યારે પાંચને ઈજા થતાં સારવારમાં લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગેની જાણ પાણશીણા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતા પીએસઆઈ ડી.જે.ઝાલા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી અને અકસ્માતના કારણે નેશનલ હાઈવે પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. પોલીસે તાત્કાલીક ટ્રાફિક હળવો કરી વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલા બે વ્યક્તિઓની ઓળખ મેળવવા પોલીસે કવાયત હાથ ધરી હતી. અલ્ટીકા કાર અને ડમ્પર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં મૃત્યુ પામનાર બે વ્યક્તિ રાજકોટના હોવાનું પોલીસે પ્રામિક તપાસમાં જણાવ્યું હતું.