અનુદાનનો ધોધ વહાવતા નાના ભુલકાઓ
જામનગરમાં હાલ કોરોના વાયરસ સામેની લડતમાં અનેક લોકો પોતાનું યોગદાન આપી રહ્યા છે. એક તરફ આરોગ્યકર્મીઓ અને પોલીસકર્મીઓ ફ્રન્ટ લાઇન વોરિયર તરીકે ફરજ બજાવી રહયા છે, ત્યારે જામનગરના નાના ભૂલકાઓ આ લડતમાં પોતાની બચતનું આર્થિક યોગદાન આપી સાઇલન્ટ કોરોના વોરિયર બની રહયા છે. અગાઉ જામનગરના ૯ વર્ષના બાળક શ્લોક મિહિરભાઈ શાહે તેના દસમાં વર્ષના પ્રવેશના જન્મદિન નિમિત્તે રૂ. ૧૧,૦૦૦ મુખ્યમંત્રી રાહત નિધિમાં અર્પણ કરી પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો.
તો આજરોજ જામનગરની ૯ વર્ષની ધોરણ ૩માં આભ્યાસ કરતી શ્રુતિબા રાજદીપસિંહ જાડેજાએ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને પોતાના પીગીબેંકની બચતના રૂ. ૧૧,૧૧૧ મુખ્યમંત્રી રાહત નિધિમાં અર્પણ કરવા અનુદાનનો ચેક એનાયત કર્યો હતો. આ સમયે અનન્ય ઉત્સાહ સાથે શ્રુતિબા રાજદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, મારી બચતના આ રૂ.૧૧,૦૦૦ હું મુખ્યમંત્રી રાહત નિધિમાં આપીને કોરોના વાઇરસની લડતમાં મારું યોગદાન આપી રહી છું આ રૂપિયાથી ગરીબોની સેવા થશે તેથી આ મારી બચત આપી ગરીબોની સેવામાં સહભાગી બની છું. .
માત્ર ૯ વર્ષની ઉંમરે લોકોની સેવા માટે આગળા આવતી આ બાળકી અને તેના જેવા અન્ય બાળકોએ સાઇલન્ટ કોરોના વોરિયર જ છે અને અન્ય માટે પ્રેરણારૂપ છે. રાજ્યમંત્રીએ બાળકીના દરિદ્રનારાયણની સેવા માટે યોગદાનના વિચારોને બિરદાવ્યા હતા.