સોખડાની જમીન રૂડા હેઠળ આવતી હોવાથી તેના ભાવ વધુ હોય તે જમીન પડતી મુકાઈ, હવે ભૂપગઢ ગામે પસંદ કરેલી જમીન આપવા જિલ્લા કલેકટરને દરખાસ્ત કરી
તાલુકા મામલતદાર કચેરી દ્વારા સર્વે નં. 477ની જમીનની માપણી અને તેના ભાવ નક્કી કરવા સહિતની કામગીરીનો ધમધમાટ
અબતક, રાજકોટ : વિશ્વ વિખ્યાત અમુલ ડેરીએ પોતાનો પ્લાન્ટ સ્થાપવા માટે ભૂપગઢ ગામની 100 એકર જમીન પસંદ કરી હોવાનું જાણવા મળ્યું છે. આ માટે તેને જિલ્લા કલેકટરને દરખાસ્ત પણ કરી છે. જિલ્લા કલેકટરે આ અરજી તાલુકા મામલતદાર કચેરીને સોંપતા તાલુકા મામલતદાર કચેરી દ્વારા જમીન માપણી અને ભાવ નક્કી કરવા સહિતની કામગીરીનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.
દુનિયાના ડેરી બિઝનેસમાં પોતાનો અને સાથે સાથે ગુજરાતનો ડંકો વગાડનારી અમૂલ રાજકોટમાં પોતાનો ડેરી પ્લાન્ટ સ્થાપશે. આ માટે જિલ્લા તંત્ર દ્વારા ડેરીના પ્લાન્ટ માટે જામનગર રોડ તરફ આવેલા આણંદપર- સોખડા ગામમાં 100 એકર જમીન પસંદ કરવાામાં આવી હતી. જો કે આ જમીન રૂડા વિસ્તારમાં આવતી હોય તેના ભાવ પણ વધુ હતા. જેથી અમુલ દ્વારા આ જમીનને પડતી મુકવામાં આવી છે. હવે આ જમીનની પસંદગી રદ કરીને અમુલ દ્વારા ભૂપગઢ ગામની નજીક ગઢકા ગામ તથા આર કે કોલેજથી 5 કિમિ દૂર આવેલી સર્વે નં.477ની 100 એકર જમીન પસંદ કરી છે.
આ જમીન સરકારી ખરાબો છે. જે ટોકન ભાવે આપવા માટે અમુલ દ્વારા જિલ્લા કલેકટરને દરખાસ્ત કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર જિલ્લા કલેકટરે તાલુકા મામલતદાર કચેરીને આગળની કાર્યવાહી સોંપી છે. જેને પગલે તાલુકા મામલતદાર કચેરી દ્વારા આ જમીનની માપણી અને ભાવ નક્કી કરવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.
ભૂપગઢ ગામે એકરનો ભાવ રૂ. 35થી 40 લાખ
રાજકોટ તાલુકાના ભૂપગઢ ગામે જમીનનો ભાવ એક એકરના રૂ. 35થી 40 લાખ બોલાઈ રહ્યા છે. આ ઉપરાંત ગઢકા પાસે તો જમીનના ભાવ આસમાને છે. ત્યાં એક એકરના અંદાજે એક કરોડ જેવો ભાવ બોલાઈ રહ્યો છે. ભૂપગઢ ગામે સરકારી તંત્ર અમુલને 100 એકર ખરાબો ફાળવવાનો છે. જો કે આ ખરાબો ટોકન ભાવે આપવામાં આવનાર છે.
ભૂપગઢ નજીક પ્લાન્ટ સ્થાપવાથી પરિવહન ખૂબ સરળ રહેશે
ભૂપગઢ ગામ નજીક પ્લાન્ટ સ્થાપવાથી અમુલને પરિવહન ખૂબ સરળ રહેવાનું છે. કારણકે આ સ્થળથી અમદાવાદ હાઇવે પણ નજીક થાય છે. આ ઉપરાંત ત્રીજો રિંગ રોડ પણ આ સ્થળ ખૂબ નજીક થાય છે. જેથી જામનગર અને અમદાવાદ બન્ને રોડ ઉપર જવા પરિવહનમાં ખૂબ સરળતા રહેશે. પરિવહન વ્યવસ્થા પણ આ સ્થળ પસંદગીમાં મહત્વનો મુદ્દો રહ્યો છે.
અમુલ દ્વારા દૈનિક 30 લાખ લિટર દૂધના પ્રોસેસિંગની કેપેસિટી ધરાવતો પ્લાન્ટ સ્થાપવાનું આયોજન
રાજકોટમાં બનનારો પ્લાન્ટ ગાંધીનગરમાં બની રહેલા તેના સૌથી મોટા 50 લાખ લીટર ડેઇલી કેપેસિટી ધરાવતા પ્લાન્ટ પછી બીજા નંબરનો પ્લાન્ટ બની શકે છે. ફેડરેશન આ માટે રુ. 200 કરોડના ખર્ચે પ્રતિ દિવસ 30 લાખ લિટર દૂધના પ્રોસેસિંગની કેપેસિટી ધરાવતો પ્લાન્ટ સ્થાપવા માગે છે. જેનાથી રાજકોટ, સૌરાષ્ટ્ર અને કચ્છના દુધ ઉત્પાદકોને સીધો ફાયદો થશે.
ઉલ્લેખનીય છે કે હાલ સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં 10 જેટલી દૂધ મંડળીઓ દરરોજ 30 લાખ લિટર જેટલું દૂધ એકઠું કરે છે અને તે પૈકી ફક્ત 15 લાખ લિટર જ દૂધ, દહીં, છાસ અને ઘી બનાવવા માટે વાપરી શકે છે. જ્યારે બાકીનું 15 લાખ લિટર દૂધ ગાંધીનગર ડેરીમાં મોકલવામાં આવે છે. જ્યાં GCMMF આ દૂધનો ઉપયોગ અમૂલ બ્રાન્ડ નામ હેઠળ જુદી જુદી દૂધની બનાવટો બનાવવા જેવી કી શ્રીખંડ, આઈસક્રીમ, ચોકલેટ, ચીઝ, બટર અને સ્કિમમ્ડ મિલ્ક પાઉડર બનાવવા માટે કરે છે.