કેરીની સીઝનમાં સોરઠની શાન કેસરને તો યાદ કરીએ જ છીએ પણ આપણે જાણીએ છીએ તેમ કેરી ભારતનું અતિ પ્રાચીન ફળ છે અને તે રાષ્ટ્રીય ફળ તરીકે પણ જાણીતું છે. ત્યારે આજે વાત કરવી છે… વિસાવદર તાલુકાનાં રતાંગ ગામના દેસાઇ પરિવાર દ્વારા સંશોધીત અમૃતાંગ કેરીની….
રતાંગ ગામનાં દેસાઇ પરિવાર દ્વારા અમૃતાંગ કેરીની જાત આપવામાં આવી છે. જૂનાગઢ નવાબે સરસઇ મહાલનાં આઠ ગામ ગોંડલ સ્ટેટને આપ્યા હતા. રતાંગ ખાતે અમૃતભાઇ ડાયાભાઇ દેસાઇએ પોતાની જમીનમાં આંબાની વિવિધ જાતોનું વાવેતર કર્યુ છે.
રતાંગનાં દેસાઇ પરિવારની આંબાની ફાર્મમાંથી કલમ તૈયાર કરવા બડ સ્ટીક લાવી નુતન કલમ દ્વારા અમૃતાંગ કેરીની જાત વિકસાવવામાં આવી હતી. અમેરીકાવાસી દેસાઇ પરિવારનાં રમેશભાઇ દેસાઇ કે જેઓ હાલ કોરોનાંના લીધે જૂનાગઢમાં રોકાયા છે. તેમણે કહ્યુ કે, અમૃતાંગ સ્વાદ અને સોડમમાં બેસ્ટ છે.ખેડુતોને જે તે સમયે આણંદ યુનિ. દ્વારા અમૃતાંગ જાત વાવવાની ભલામણ પણ આણંદ કૃષિ યુનિ. દ્વારા કરાઇ છે.
રતાંગ ખાતે દેસાઇ પરિવાર અને સંજયભાઇ વેકરીયાનાં ફાર્મમાં ૧૫ ઝાડ છે. ઉપરાંત મધર પ્લાન્ટ માટે ૧૦૦ જેટલા ઝાડ છે. આ કેરીના ભાવ ખુબ સારા ઉપજતા હોવાથી વિસાવદરનાં કાલસારી તેમજ કુતિયાણાનાં ખાગેશ્રી ગામે પણ અમૃતાંગનું વાવેતર થયુ છે. અને સંજયભાઇ વેકરીયા દ્વારા રતાંગ ખાતે હવે અમૃતાંગ કેરીની કલમો પણ વિકસાવવામાં આવી છે.
દેશી આંબાની જાતો સંગ્રહીત કરવા તેમજ તેને વિકસાવવાના હેતુથી કેરીની નવી જાતો શોધવામાં આવે છે. ૧૯૭૫માં શીડ (ગોઠલી) વગરની કેરીની જાતનું સંશોધન કરવાનાં પણ પ્રયાસો કરાયા હતા. અમૃતાંગ કેરીની સોડમ અને સુગંધ ખુબ સરસ હોવાની સાથે તેની ગોઠલી ખુબ જ નાની હોય છે. તથા માવાનું પ્રમાણ વધુ છે.
અમૃતાંગની વીશેષતા જોઇએ તો, સ્વાદમાં એકદમ મીઠી અને રૂછા બીલકુલ હોતા નથી. ગોઠલી એકદમ ચપટી અને નાની હોય છે. ફળની છાલ પાતળી, માવાનું પ્રમાણ ૮૫ ટકા છે, ગ્લુકોઝનું પ્રમાણ ૧૮ ટકા છે. ઝાડ ઉપરથી ઉતાર્યા બાદ ત્રણ દિવસમાં ફળ પાકી જાય છે. પરીપક્વ થયા બાદ ૧૫ થી ૨૦ દિવસ સુધી બગડતી નથી. એવી આ અમૃતાંગ કેરી વિસાવદર તાલુકાના રતાંગનું સર્જન છે.