- બે ભાઈઓએ છરીના ત્રણ ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતાર્યો : એક પોલીસ સકંજામાં
અમરેલીમાં દીન પ્રતિદિન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ હત્યા અને મારામારીના બનાવો વધવા પામ્યા છે.ત્યારે ગઈકાલ સાંજના સમયે સાવરકુંડલા રોડ પર એક યુવકની બે ભાઈઓ દ્વારા છરીના ત્રણ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો.જ્યારે આ બનાવની જાણ પોલીસને થતા પોલીસ દ્વારા બે હત્યારા ભાઈઓ સામે ગુનો નોંધી એકની અટકાયત કરી છે.અન્ય ફરાર શખ્સની શોધખોળ હાથ ધરી છે.
બનાવની મળતી માહિતી અનુસાર અમરેલીના સાવરકુંડલા રોડ પર રહેતા ક્રિષ્નાબેન કાંતિભાઈ જોગદીયા એ અમરેલી સીટી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપીઓમાં રાકેશ રામજી મકવાણા અને એનો ભાઈ કરણ રામજી મકવાણાના નામ આપ્યા હતા. જેમાં તેણે જણાવ્યું હતું કે તેમનો ભાઈ સંજય જોગદીયા બંને આરોપીઓને ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા બંને આરોપીઓએ ઉશ્કેરાઈને તેના ભાઈ સંજય પર છરી વડે હુમલો કર્યો હતો અને પેટના ભાગે છરીના ત્રણ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો.જે મામલે પોલીસે બંને હત્યારા ભાઈ વિરૂદ્ધ ગુનો નોધી એકની અટકાયત કરી છે.જ્યારે અન્ય શખ્સનો શોધખોળ હાથધરી છે.
થોડા દિવસ પહેલા કાકાજી સસરાએ ભત્રીજા વહુને છરીના ઘા ઝીંકીને કરી’તી હત્યા
અમરેલીમાં તા. ૮ મેના રોજ હત્યાની હચમચાવતી ઘટના સામે આવી હતી જેમાં કાકાજી સસરાએ ભત્રીજા વહુને ગળાના ભાગે છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કર્યા બાદ પોતાને પણ છરીના ઘા ઝીંકીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ મામલે આરોપીના ભાઈ ભીખુભાઈ પઠાણે આરોપી સુભાન માનસિક બીમાર હોવાનું જણાવ્યું હતું.