અમરેલી નજીક આવેલા લાલાવદર ગામની સીમમાં ખેત મજુર દંપત્તી અને દસ વર્ષની બાળકીના મૃતદેહ કૂંવામાંથી મળી આવતા ત્રણેયની હત્યા કરી મૃતદેહને કૂંવામાં ફેંકી દીધાની ચર્ચા સાથે ચકચાર મચી જવા પામી છે. મૃતકોના શરીરે ઇજાના નિશાન જોવા મળ્યા છે. જ્યારે બાળકીના મોઢા પર પટટ્ટી બાંધી હોવાથી ત્રણેયની હત્યા કરાયાની શંકા વધુ દ્રઢ બની છે. એક સાથે ત્રણ ખેત મજુરના શંકા સ્પદ મોતની ઘટનાના પગલે અમરેલી જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ સહિતના પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા છે.
દસ વર્ષની બાળકીના મોઢા પર પટ્ટી બાંધેલી હોવાથી ત્રણેયની હત્યા કરી લાશને કૂંવામાં ફંકી દીધાની શંકા: જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ સહિતના પોલીસ અધિકારીઓ લાલાવદર દોડી ગયા: ભાવનગર મેડિકલ કોલેજમાં ફોરન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ મધ્ય પ્રદેશના વતની અને પાંચ-છ માસ પહેલાં અમરેલીના લાલવદર ગામે અલ્પેશભાઇની વાડીએ મજુરી કામે આવેલા મુકેશભાઇ અંતુરભાઇ દેવરખીયા, તેમની પત્ની ભુરીબેન મુકેશભાઇ દેવરખીયા અને મુકેશભાઇની દસ વર્ષની બહેન જાનુબેન અંતુરભાઇ દેવરખીયાના વાડીના કૂંવામાંથી લાશ હોવાની પોલીસને જાણ થતા એસપી હિમકરસિંહ અને પી.આઇ. ચૌૈધરી સહિતના સ્ટાફ લાલાવદર ગામે દોડી આવ્યા હતા.
અમરેલી ફાયર બ્રિગેડની મદદ લઇ ત્રણેય મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા ત્યારે મુકેશ અને તેની પત્ની ભુરીના શરીરે ઇજાના નિશાન જોવા મળ્યા હતા જ્યારે દસ વર્ષની બાળકી જાનુના મોઢા પર પટટ્ટી બાંધી હોવાથી હત્યાની શંકા વ્યક્ત થઇ રહી છે. મુકેશ અને ભુરીએ તાજેતરમાં જ પરિવારની મરજી વિરુધ્ધ લગ્ન કર્યા હોવાનું જાણવા મળે છે. ત્રણેય લાશનું ભાવનગર મેડિકલ કોલેજમાં પોસ્ટમોર્ટમ થયા બાદ બનાવ હત્યાનો છે કે સામુહિક આત્મહત્યાનો છે. તે અંગેની વિગતો બહાર આવે તેમ છે.
ત્રણેય પરપ્રાંતિય ખેત મજુરની હત્યા કરાઇ છે તો કોને અને શા માટે કરી જ્યારે આત્મહત્યા કરી છે તો એક સાથે ત્રણેયે શા માટે આપઘાત કર્યો તે અંગે પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથધરવામાં આવી છે.