અમરેલીના દેવળીયા ગામે જમીનમાં દાટીને બંધ કરી દેવાયેલી અંદાજિત 670 વર્ષ પહેલા બનેલી પ્રાચીન વાવ મળી આવ્યા બાદ તેના બંધ કરાયેલા બે દરવાજા ખુલતા તેમાંથી વાવ અને જમીનની અંદર શિવ મંદિર નીકળ્યા હતા. દરમિયાન વાવ ની અંદર હજુ એક બંધ દરવાજો મળ્યો છે જેની પાછળ શું હશે તે લોકો માટે કુતૂહલનો વિષય બન્યો છે. પંચાયત દ્વારા ભૂગર્ભમાં આવેલો એ દરવાજો ખોલીને તેની પાછળ રહેલો વધુ એક માળ પણ ખુલ્લો કરવામાં આવનાર છે.

અમરેલીના દેવભૂમિ દેવળીયા ગામના સરપંચ ભાવનાબેન સુખડિયાએ જણાવ્યું કે, થોડા સમય પહેલા જ ગામમાં ખોદકામ દરમિયાન અદભુત નકશી કામ ધરાવતી અંદાજિત 670 વર્ષ જૂની પ્રાચીન વાવ અને તેમાં 28 ફૂટ નીચે બનાવવામાં આવેલું શિવ મંદિર વગેરે મળી આવ્યા હતા. ગામ સમસ્ત દ્વારા શિવ મંદિરમાં વિધિવિત રીતે પુન: પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ ભાવમાં જુદા જુદા માળ છે અને તેના પ્રવેશદ્વારના દરવાજાને બાંધકામ કરીને બંધ કરી દેવામાં આવેલા છે. આ રીતે પ્રથમ માળનો દરવાજો જે બાંધકામ કરીને બંધ કરાયેલો હતો તેને ખોલ્યા બાદ તેમાં અદભુત નકશીકામ ધરાવતી પ્રાચીન વાવ મળી આવી હતી.

આજ રીતે આગળ વધીને નીચેના માળનો દરવાજો ખોલ્યા બાદ તેમાં 28 ફૂટ નીચે શંકર ભગવાનનું પ્રાચીન મંદિર મળી આવ્યું હતું. આ મંદિર વાળો જે માળ છે તેની નીચે પગથીયા છે અને ત્યાં પણ એક માળ છે જે માળમાં જવાનો પ્રવેશ દ્વાર બાંધકામ કરીને બંધ કરાયેલ છે. સુધી આ પ્રવેશ દ્વાર ખોલવામાં આવેલું નથી અને તેની પાછળ શું છે તે દરવાજો ખોલાયા પછી જ બહાર આવે તેમ છે. આ દરવાજાની પાછળ પણ વ્યવસ્થિત રીતે ઊંડી વાવ હશે જ અને તે સિવાય પણ કોઇ પણ વસ્તુ મળી આવે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી.

જે રીતે બીજા માળ પર બનાવવામાં આવેલું શિવમંદિર મળી આવ્યું હતું તે રીતે આ બંધ કરી દેવામાં આવેલા નીચેના માળ પર શું છે અને તેની નીચે ભૂગર્ભમાં અન્ય માળ બનાવવામાં આવેલ છે કે કેમ તે બધું આ બંધ દરવાજો ખોલાયા પછી જ બહાર આવે તેમ છે. લોકોમાં પણ આ દરવાજા ની પાછળ શું હશે તે જાણવા માટે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ગ્રામ પંચાયત દ્વારા આગામી દિવસોમાં આ દરવાજો ખોલીને વિધિવત રીતે વાવનો આગળનો ભાગ જે હજુ સુધી ખુલ્લો કરવામાં આવેલો નથી તે પણ ખુલ્લો કરવામાં આવશે.

શિવરાત્રી મહાપર્વની પણ કરાશે ઉજવણી

દેવળીયા ગામના સરપંચે જણાવ્યું કે થોડા દિવસ પછી શિવરાત્રીનો પવિત્ર તહેવાર છે. હાલમાં પણ અહીં દર્શન માટે ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો આવે છે અને શિવરાત્રીના દિવસે વધુમાં વધુ લોકો આવે તેવી શક્યતા છે. દ્વારા વિશેષ પૂજન અર્ચન તેમજ બટુક ભોજન સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.