મકાન માલિક અને આઠ મહેમાનોના રોકડ અને ઘરેણાની તસ્કરી, જાણભેદુ હોવાની શંકા

વિધાનસભાની ચૂંટણીના બંદોબસ્તમાં પોલીસ સ્ટાફ ફરજમાં હોવાથી ગુનેગારો માટે મોકળુ મેદાન મળ્યું હોય તેવો ઘાટ અમરેલી શહેરમાં લગ્ન પ્રસંગમાં બીન બુલાયે મહેમાનોએ મકાનના તાળા તોડી મકાન અને છ મહેમાનો મળી સાત મહિલાની રોકડ અને ઘરેણા મળી રૂા.18.78 લાખની ચોરીનો ગુનો નોંધાવ્યા છે. પોલીસે સીસીટીવી અને વિડીયોગ્રાફીના ફૂટેજના આધારે તસ્કરોની શોધખોળ હાથધરી છે.

વધુ વિગત મુજબ મુળ જુનાગઢ જિલ્લાના બિલખા ગામના વતની અને હાલ વલસાડના ઉમરગામ નજીક સટીગામે રહેતા નઝમાબેન ઉમરભાઇ માલવીયા નામની મહિલા અમરેલીના ભાટીયા શેરીમાં લગ્ન પ્રસંગમાં આવ્યા ત્યારે અજાણ્યા શખ્સોએ મકાન માલિક સહિત આઠ લોકોના મળી રૂા.18.78 લાખની મત્તા ચોરી કરી ગયાની અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે નઝમાબેન માલવીયા પોતાના નણંદ જમીલાબેન અહમદભાઇ મહીડાની દેરાણી યાસ્મીનબેન અલ્તાફભાઇ મહીડાના બે પુત્રોના લગ્ન પ્રસંગમાં પરિવાર સાથે આવ્યા હતા અને નણંદ જમીલાબેન મહીડાના ઘરે મહેમાનો સાથે રોકાયા હતા. તા.23 નવેમ્બર નંદનવન પાર્ટી પ્લોટ ખાતે રિસેપ્શનમાં ગયા હતા. બાદ પરત ફરતા મકાનના તાળા તૂટેલી હાલતમાં હતા. જેમાં ફરિયાદી નઝમાબેનના રૂા.5.35 લાખ, દેરાણી સલમાબેનના રૂા.3.35 લાખ, નણંદ સોફીયાબેનના 95 હજાર, ભાણેજ સાઇનાબેન 1.05 લાખના, રૂકશાહબેન રૂા.2.10 લાખ, ભાણેજવહુ હીનાબેન 18 હજાર, ભાભી સલમાબેન 4.40 લાખ અને મકાન માલિકના 90 હજાર મળી રૂા.18.78 લાખની મત્તાની ચોરી કરી ગયાની ફરિયાદમાં જણાવ્યું હતું.

પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી આસપાસના સીસીટીવી અને વિડીયોગ્રાફીના ફૂટેજના અને ચોરીમાં કોઇ જાણભેદું હોવાની શંકાના આધારે પી.આઇ.આઇ.જે.ગીડા સહિતના સ્ટાફે તસ્કરોનું પગેરૂ દબાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.