સિટી અને તાલુકામાં પોલીસ ને મળ્યા બોગસ પાસ : અગાઉ પણ ઓશિયાન એન્ટર પ્રાઇઝ રાજસ્થળીના માલિકોના નામ ચર્ચામાં
અમરેલી સીટી અને ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદે રીતે નદીઓમાંથી રેતી ચોરીનું મસ મોટું કૌભાંડ ચાલે છે અને તેમાં અમુક મોટા માથાઓ પણ સંકળાયેલા છે રેતી ઉપાડવા માટેના બોગસ રોયલ્ટી પાસ બનાવવાનું કોભાંડ ખૂલતા ખળભળાટ મચી ગયો છે. એક જ સમૂહના લોકો સામે અલગ અલગ પોલીસ સ્ટશેનમાં અલગ અલગ ફરિયાદો નોંધાઈ છે.
અમરેલી સીટી તથા તાલુકા પોલીસ મથકમાં નોંધવામાં આવેલી જુદી જુદી બે ફરિયાદો મુજબ આ બન્ને પોલીસ મથકો દ્વારા રેતી ચોરીના પ્રકરણમાં ડમ્પરો કબજે કરવામાં આવ્યા હતા અને જ્યાં સુધી કોર્ટ દ્વારા તે મુદ્દમાલ મુક્ત કરવાની પરવાનગી આપવામાં ન આવે અથવા તે મુદ્દામાલને કબજામાં રાખવાની જરુર ન હોય ત્યાં સુધી તે મુદ્દામાલ કાયદેસરની પોલીસ કસ્ટડીમાં રહેતા હોય છે.
પોલીસ દ્વારા જપ્ત કરાયેલા આવા મોટા વાહનોને પોલીસ કસ્ટડી હેઠળ અમરેલી એલસીબી કચેરી નજીક રાખવામા આવે છે. દરમિયાન અમરેલી તાલુકા અને સીટી પોલીસ સ્ટેશન દ્વારા ડમ્પરને જપ્ત કર્યા બાદ પોતાના કબજામાં રાખવામાં આવેલા હતા અને તે વાહનો ત્યાં સ્થળ પર સલામત રીતે પડેલા હતા તેમ છતા પોલીસ કબજા હેઠળ હતા તે તારીખમાં તે નંબરના વાહનોના રોયલ્ટી પાસ ઈસ્યૂ કરીને મેળવવામાં આવ્યા હતા જે ઓશન એન્ટર પ્રાઈઝ રાજસ્થળીના માલિકો, વહીવટ કરનારાઓ તથા તપાસ દરમિયાન જે જે વ્યક્તિઓના નામ ખૂલે તેમના દ્વારા ગુનાહિત કાવત્રુ રચીને પોતાના આર્થિક ફાયદા માટે બનાવટી વાહનથી બોગસ રોયલ્ટી પાસ કાઢી આપી અને તે ખોટા હોવા છતા તેનો ગેરકાયદે ઉપયોગ કરનારા અજાણ્યા શખસો સામે પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરુ કરાયો છે.