જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા અમલીકરણ સમિતિનાં અધિકારીઓની બેઠક યોજાઈ
દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશમાં ’આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે રાજ્યમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસરૂપે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં ’વંદે ગુજરાત વિકાસ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ વિકાસ ચાત્રા દરમિયાન 18 જેટલા વિવિધ વિભાગોના સહયોગમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ, નવા મંજૂર થયેલા કામોની જાહેરાત, વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ, યોજનાઓનો પ્રચાર-પ્રસાર, ફિલ્મ નિદર્શન, સાફલ્ય ગાથા જેવાં લોકાભિમુખ કાર્યક્રમો હાથ ધરવા 1પ દિવસના કાર્યક્રમ નિર્ધારિત કરવામાં આવ્યા છે. અમરેલી જિલ્લામાં આગામી 5 થી 18 જુલાઈ દરમિયાન ’વંદે ગુજરાત વિકાસ યાત્રા’ યોજાશે. કાર્યક્રમના સુચારું આયોજન માટે જિલ્લા અમલીકરણ સમિતિના અધિકારીઓની જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ અધિકારી ઓને આ કાર્યક્રમના જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાના સફળ આયોજન માટે માર્ગદર્શન આપ્યું હતું. તેઓશ્રીએ વિકાસ યાત્રા દરમિયાન અમરેલી જિલ્લામાં ભ્રમણ માટે આવનારા 3 રથના રૂટ તેમજ કાર્યક્રમોની સમીક્ષા કરી હતી. તેઓશ્રીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ ફક્ત સરકારી કાર્યક્રમ બની ન રહેતા મોટી સંખ્યામાં લોકો જોડાય તેવો પ્રયાસ કરવો જોઈએ. વધુમાં કાર્યક્રમ દરમિયાન વિપૂલ પ્રમાણમાં વૃક્ષારોપણ કરવામાં આવે તેવું સૂચન પણ કલેક્ટરશ્રીએ કર્યુ હતું. તેમજ અન્ય તમામ કામગીરીની ફાળવણી કરી અને જરૂરી આદેશો-સૂચનો કર્યા હતા.