કોંગ્રેસના વિરોધ અને રજુઆત બાદ નિયામક દ્વારા આદેશ કરાયો
અમરેલીમાં નગરપાલિકા દ્વારા આઉટસોર્સિંગથી તથા કરાર આધારિત જુદી જુદી શાખાઓમાં 50 કરતા પણ વધારે કર્મચારીઓને નિમણૂકો આપવામાં આવી હતી જે સામે કોંગ્રેસના વિરોધ અને રજૂઆત બાદ નિયામક દ્વારા આ તમામ કર્મચારીઓને ઘરે બેસાડવાનો આદેશ કરાયો છે.
હાલમાં એક તરફ લોકોને રોજગારી ન મળતી હોવાના મુદ્દે વિપક્ષ દ્વારા વિરોધ ચાલી રહ્યો છે. ભરતી ગેરકાયદે હોવાથી તેને અને રોજગારી માટે બનેલી અગ્નિપથ યોજનાનો પણ વિરોધ
કરવામાં આવી રહ્યો છે એ વચ્ચે મંજૂરી મેળવીને કાયમી ધોરણે ખાલી જગ્યામાં ભરતી કરવાના બદલે અમરેલીમાં નગરપાલિકામાં ભાજપના શાસકો દ્વારા જુદા જુદા વિભાગોમાં કામગીરી માટે આઉટસોર્સના માધ્યમથી 50 જેટલા કર્મચારીઓને નિમણૂકો આપવામાં આવી હતી. આ મુદ્દે કોંગ્રેસના નગરસેવક દ્વારા ભાવનગર સ્થિત પ્રાદેશિક નગરપાલિકા નિયામકને રજૂઆત કરવામાં આવી હતી અને ભરતી ગેર કાયદે હોવાથી અટકાવવા માટે માગણી કરી હતી.
આ મુદ્દે ભાવનગર સ્થિત પ્રાદેશિક નિયામક દ્વારા નગરપાલિકાના મુખ્ય અધિકારીને કરવામાં આવેલા લેખિત આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, અમરેલી નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી મેળવ્યા વગર કરાર આધારિત, હાઉટ સોર્સિંગથી કે અન્ય કોઈપણ રીતે નિવૃત્ત કર્મચારીઓને કે અન્ય લોકોને આપવામાં આવેલી નિમણૂકો ગેરકાયદે છે અને આઉટસોર્સ એજન્સી દ્વારા નિવૃત્ત કર્મચારીની ભરતી કરવાની કોઈ જોગવાઈ નથી. જેથી અમરેલી પાલિકાએ આ રીતે ભરતી કરેલા તમામ કર્મચારીઓને ઘર ભેગા કરવાનો આદેશ કર્યો છે.