ભાજપે જે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા તે
આ ચારેય બેઠકો માટે ઉમેદવારો નકકી કરવા ભાજપ માટે શીરદર્દ સમાન: જ્ઞાતિ ફેકટર સહિતના અનેક સમીકરણો આ ચારેય બેઠકો પર ભારોભાર અસર કરે છે.
સત્તાધારી પાર્ટી ભાજપ દ્વારા ગુજરાત લોકસભાની ર6 બેઠકો પૈકી રર બેઠકો માટે ઉમેદવારોના નામો જાહેર કરી દીધા છે. ચાર બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરાયા નથી તે પૈકી અમરેલી અને મહેસાણા જયારે સુરેન્દ્રનગર-જુનાગઢ બેઠકની તાસીરમાં ભારોભાર સામ્યતા રહેલી છે આ ચારેય બેઠકો મુરતિયા નકકી કરવા ભાજપ અને કોંગ્રેસ બન્ને માટે માથાના દુ:ખાવા સમાન બની રહેશે.
સુરેન્દ્રનગર અને જુનાગઢ બેઠક પર કોળી સમાજના મતાદારોનું વર્ચસ્વ રહેલું છે. આ બન્ને બેઠકો પર ભાજપ હોય કે કોંગ્રેસ કે અન્ય કોઇપણ રાજકીય પક્ષ કોળી સમાજના ઉમેદવારોને ટિકીટ આપવાની હિંમત કરે તો વાત તો દુર રહી વિચાર સુઘ્ધા પણ કરી શકતું નથી. ભાજપ આ બન્ને બેઠક પર વર્તમાન સાંસદોની ટિકીટ કાપવાનું વિચારી રહી છે. જુનાગઢના સાંસદ રાજેશભાઇ ચુડાસમા સામે ભારોભારો અસંતોષ છે. આ ઉપરાંત ડો. ચગના અપઘાત પ્રકરણમાં પણ તેઓનું નામ ઉછળ્યું છે જેના કારણે ભાજપ હવે તેમની ટિકીટ કાપવાનું મન બનાવી રહ્યું છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠકના સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરા હાલ કેન્દ્ર સરકારમાં મંત્રી પદ ભોગવી રહ્યા છે ગત વિધાનસભાની ચુંટણીમાં તેઓની કામગીરી સામે સવાલો ઉભા થયા હતા. તેઓની ટિકીટ પર કાતર ફેરવવાનું ભાજપે મન બનાવી લીધું છે.
જો અમરેલી લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો ગુજરાતના રાજકારણમાં રાજયની સ્થાપના કાળથી અલગ જ મહત્વ ધરાવે છે. છેલ્લી ત્રણ ટર્મથી અહી ભાજપ નારણભાઇ કાછડીયાને મેદાનમાં ઉતારે છે. આ વખતે તેઓને નિવૃત કરી દેવાની પક્ષે વિચારણા શરુ કરી છે. પરંતુુ તેઓના સ્થાને કોને ટિકીટ આપવી તે અંગે પણ પક્ષમાં મીઠી મુંઝવણ ચાલી રહી છે. આ બેઠક લેઉવા પટેલ સમાજ માટેની માનવામાં આવે છે. મહેસાણા બેઠકની તાસીર પણ અલગ જ છે. આ બેઠક પર હાલ શારદાબેન પટેલ સાંસદ છે. તેઓની પ્રથમ ટર્મ છે પરંતુ ભાજપ અહીંથી બીજા ચહેરાને તક આપવામાં માંગે છે. અગાઉ આ બેઠક પર રાજયના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલના નામન ચર્ચા ચાલતી હતી. પરંતુ તેઓએ પોતાની દાવેદારી પાછી ખેંચી લેતા નવા જ સમીકરણો રચાયા છે.
ભાજપ દ્વારા જે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં નથી આવી તે ચારેય બેઠકો રાજકીય દ્રષ્ટિએ અલગ જ તાસીર ધરાવે છે. આ બેઠકો માટે ઉમેદવારો નકકી કરવા તમામ રાજકીય પક્ષો પાસે હજી ભરપુર સમય છે પરંતુ સમય કરતા સમીકરણો અને તાસીર ભાજપ માટે માથાના દુ:ખાવા સમાન બની ગઇ છે. ઉમેદવાર તરીકે ગમે તેને ટિકીટ આપવામાં આવે અહી વધતા ઓછા અંશે અસંતોષ અને વિવાદની ભરપુર સંભાવના જણાય રહી છે.
છેલ્લી બે ટર્મ અર્થાત દશ વર્ષથી ગુજરાતમાં લોકસભાની તમામ બેઠકો પર ભાજપ વિજેતા બની રહ્યું છે. કોંગ્રેસને ફાળે સમ ખાવા પુરતી એકપણ બેઠક આવતી નથી આવામાં સતત ત્રીજી વખત તમામ બેઠકો જીતવી હાલના વાતાવરણને જોતા કોઇ મુશ્કેલ નથી. પરંતુ પાંચ લાખની લીડ સૌથી મોટો પડકાર બની રહેશે. રાજકોટ બેઠક માટે ભાજપે કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરષોતમ રૂપાલાને ઉતાર્યા છે. વાસ્તવમાં રૂપાલાજીનું હોમ ટાઉન અમરેલી છે પરંતુ તેઓ ત્યાંથી ચુંટણી લડવા માંગતા ન હતા જો કે ભાજપ પણ તેઓને ત્યાંથી ચૂંટણી લડાવવાની હિંમત કરી શકે તેમ નથી.
સુરેન્દ્રનગર, અમરેલી, જુનાગઢ અને મહેસાણા બેઠક માટે ઉમેદવારો નકકી કરવા ભાજપ માટે હાલ માથાના દુ:ખાવા રૂપ બની ગયો છે. તાસીર અલગ જ હોવાના કારણે આ બેઠકનું તારણ કાઢવું મુશ્કેલ છે.
સૌરાષ્ટ્રની લોકસભાની તમામ સાતેય બેઠકો પોત પોતાની રીતે કંઈક અલગ જ તાસીર ધરાવી રહી છે.અહીં જો જ્ઞાતિ-જાતિ સહિતના સમીકરણોને ધ્યાનમાં રાખી ટિકિટની ફાળવણી કરવામાં ન આવે તો પરિણામ પર તેની વિપરીત અસર થઈ શકે છે. અમરેલી લોકસભા બેઠક વર્ષોથી લેઉવા પટેલ સમાજ માટે અનામત હોય તેવો સિનારિયો જોવા મળી રહ્યો છે.જ્યારે નવા સીમાંકન બાદ જુનાગઢ લોકસભાનીબેઠક કોળી સમાજના ફાળે ગઈ તેવું જોવા મળી રહયુ છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર વર્ષોથી કોળી ઉમેદવાર જ જીતતા આવે છે.આ તમામ સમીકરણોને ધ્યાનમાં રાખી સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા અમરેલી, જુનાગઢ અને સુરેન્દ્રનગર લોકસભા બેઠકો માટે ઉમેદવાર ના નામ જાહેર કરવામાં આવ્યા નથી. આ ઉપરાંત મહેસાણા લોકસભા બેઠક માટે પણ નામ જાહેર કરાયું નથી અહીં પક્ષ તમામ શક્યતાઓ તપાસી રહ્યું છે. જો રિપીટ કરવામાં આવે તો શું અસર થાય, સીટીંગ સાંસદોને ટિકિટ કાંપી નાખવામાં આવે તો પક્ષને તેની શું અસર પડે તેની ઝીણવટ સાથે તપાસ કરવામાં આવી રહી છે.સૌરાષ્ટ્રની એક-એક બેઠકો માટે ભાજપ સહિતની તમામ રાજકીય પાર્ટીઓએ અલગ અલગ પાસાઓની વિસ્તારપૂર્વક ચર્ચા-વિચારણા કર્યા બાદ તમામ સમીકરણોને ધ્યાનમાં રાખી ઉમેદવારોની પસંદગી કરવી પડે છે.
સુરેન્દ્રનગર, અમરેલી અને જૂનાગઢમાં ભાજપ વર્તમાન સાંસદોની ટિકિટ કાંપે તેવી સંભાવના
સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા ગુજરાતની લોકસભાની 26 બેઠકો પૈકી 22 બેઠકો માટે ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે.સૌરાષ્ટ્રની ત્રણ સહિત રાજ્યની ચાર લોકસભા બેઠક માટે ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. ત્રીજા તબક્કાના મતદાનમાં ગુજરાતના 26 બેઠક માટે એક સાથે 7 મેં ના રોજ મતદાન યોજવાનું છે.આગામી 12 એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. જે 19 એપ્રિલ સુધી ચાલશે. ભાજપ પાસે ઉમેદવારોની પસંદગી કરવા માટે હજી ઘણો સમય છે. પક્ષમાં ચાલતી ચર્ચાઓ મુજબ અમરેલી, જુનાગઢ અને સુરેન્દ્રનગર બેઠક માટે ભાજપ સીટીંગ સાંસદના સ્થાને નવા ચહેરાઓની મેદાનમાં ઉતારે તેવું માનવામાં આવી રહ્યું છે.
અમરેલી બેઠક પરથી નારણભાઈ કાછડીયા છેલ્લી ત્રણ ટર્મથી ચૂંટાઈ રહ્યા છે.તેઓને સ્થાને નવા ચહેરાને તક આપવામાં આવશે. જ્યારે જુનાગઢ બેઠકના વર્તમાન સાંસદ રાજેશભાઈ ચુડાસમા પણ બે ટર્મ ચૂંટાય રહ્યા હોય તેઓને સામે થોડો આંતરિક વિરોધ ઉપરાંત ડો.ચગ આપઘાત કેસમાં તેઓનું નામ ઉછલ્યું હતું. તેઓને ટિકિટ પર પણ જોખમ રહેલુ છે.જ્યારે સુરેન્દ્રનગર બેઠકના વર્તમાન સાંસદ ડો.મહેન્દ્ર મુંજપરા કેન્દ્ર સરકારમાં હાલ મંત્રી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે.છતાં તેઓની ટિકિટ પર પણ જોખમ રહેલું છે.મહેસાણામાં પણ ભાજપ શારદાબેન પટેલ સ્થાને નવા ચહેરાને ટિકિટ આપી શકે છે.