અમરેલીના ચલાલા પોલીસ મથકમાં ફરજ બજાવતા પરિણીત પોલીસમેને વિધવાને પ્રેમ ઝાળમાં ફસાવી લગ્નની લાલચ દઇ ચાર વર્ષ દરમિયાન અવાર નવાર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસબેડામાં સનસનાટી મચી ગઇ છે.
લગ્નની લાલચ દઇ ચાર વર્ષ સુધી અવાર નવાર શરીર સંબંધ બાંધી લગ્ન કરવાનો ઇન્કાર કર્યો: પીડીતાને સારવાર માટે દાખલ કરાઇ
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ એક પુત્રીની માતાને પતિ સાથે મનદુ:ખ થતા ચારેક વર્ષ પહેલાં વિસાવદર કોર્ટમાં ભરણ પોષણનો દાવો કર્યો હતો ત્યારે ન્યાય માટે અવાર નવાર ધારી પોલીસ મથકે જતી ત્યારે ત્યાં ફરજ બજાવતા પોલીસમેન મહેશ જયસુખ રાઠોડના પરિચયમાં આવી હતી. પોતે પણ પોતાની પત્નીથી દુ:ખી હોવાનું જણાવી પોતે પોલીસમાં છે. મદદ કરશે તેમ કહી પ્રેમ ઝાળમાં ફસાવી હતી.
દરમિયાન પિડીતાના પતિનું અવસાન થતા પોલીસમેન મહેશ રાઠોડ પિડીતા સાથે અમરેલી રહેવા આવી ગયો હતો અને પત્નીની જેમ રાખી પોતાની પત્નીને છુટાછેડા દીધા બાદ લગ્ન કરશે તેમ કહેતો હતો. પિડીતા પર અવાર નવાર દુષ્કર્મ આચતો હોવાતી તેણીને ત્રણ માસનો ગર્ભ રહી જતાં લગ્ન કરવાનું કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો.
સારવાર માટે દાખલ થયેલી પિડીતાએ બે દિવસ પહેલાં પોતાના પર ચલાલા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસમેન મહેશ રાઠોડે બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવ્યાનું જણાવતા પોલીસ સ્ટાફ ચોકી ઉઠયો હતો અને બંને વચ્ચે સમાધાન થાય તે માટે પ્રયાસ કર્યા હતા. પરંતુ મહેશ રાઠોડે લગ્નની ના કહેતા પિડીતાની ફરિયાદ પરથી અમરેલી તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. કે.એસ.ડાંગર સહિતના સ્ટાફે ચલાલાના પોલીસમેન મહેશ રાઠોડ સામે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.