અમરેલી નજીક આવેલા ટીંબલા ગામની કાઠી પરિણીતાએ પોતાના પતિ, સાસુ અને દિયરના ત્રાસથી કંટાળી દસ માસની માસુમ બાળકીને ઝેરી દવા પીવડાવ્યા બાદ પોતે પણ ઝેરી દવા ગટગટાવી લેતા બંનેના મોત નીપજ્યા છે. પોલીસે મૃતકના પતિ, સાસુ અને દિયર સામે આત્મહત્યાની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ટીંબલા ગામે રહેતી અસ્મીતાબેન ભગીરથભાઇ વાળાએ પોતાની દસ માસની પુત્રી હિતેશ્ર્વરીને ઝેરી દવા પીવડાવ્યા બાદ પોતે પણ પી લેતા બંનેના સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યા છે.
મૃતક અસ્મીતાબેનના છ વર્ષ પૂર્વે ભગીરથ વાળા સાથે લગ્ન થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેણીને પતિ ભગીરથ, સાસુ રમજુબેન અને દિયર મયલુ વાળા શારીરિક અને માનસિક ત્રાસ દેતા હોવાથી કંટાળી પુત્રી હિતેશ્ર્વરી સાથે ઝેરી દવા પી લેતા બંનેના મોત નીપજ્યા હતા.
સાવર કુંડલા તાલુકાના ખોડીયાણા ગામે રહેતા મૃતક અસ્મીતાબેનના ભાઇ ગૌતમભાઇ બાવભાઇ જેબલીયાની ફરિયાદ પરથી ભગીરથ વાળા, રમજુબેન અને મયલુ વાળા સામે આત્મહત્યાની ફરજ પાડવા અંગે અને મૃતક અસ્મીતાબેન સામે માસુમ બાળકી હિતેશ્ર્વરીને ઝેરી દવા પીવડાવી હત્યા કરવા અંગેનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથધરી છે.
સામુહિક આપઘાત પાછળ કારણ શું?
ત્રાસ, માનસિક બીમારી, આર્થિક ભીસ, વ્યાજખોર અને પ્રેમ પ્રકરણના કારણે આત્મહત્યાનું પ્રમાણ વધ્યું
સામુહિક આપઘાત તરફ લોકો વળ્યા છે. ત્યારે સજોડે અને સામુહિક આપઘાત પાછળ સાસરીયાના ત્રાસ, માનસિક બીમારી, આર્થિક ભીસ, વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી અને પ્રેમ પ્રકરણના કારણે જીવનનો અકાળે અંત આણવાના બનાવ વધી ગયા છે. સાસરીયા દ્વારા અપાતા ત્રાસમાં પોતાના મૃત્યુ બાદ પોતાના બાળકોનું શું થશે તેવા વિચાર સાથે બાળકોની હત્યા કરી માતા જીવન ટૂંકાવતી હોય છે. જ્યારે માનસિક હતાશ થયેલી વ્યક્તિ પોતાના વ્હાલ સોયા સંતાનો સાથે આત્મહત્યા કરતા હોય છે. આર્થિક ભીસના કારણે પરિવારના મોભી પોતાના પરિવારના સભ્ય સાથે જીવન ટૂંકાવી લેતા હોય છે. વ્યાજખોર દ્વારા પઠાણી ઉઘરાણી કરવાથી પરિવારના મોભી પોતાના પરિવાર સાથે આત્મહત્યા કરી સમસ્યા સામે હારી જતા હોય છે. આ રીતે પ્રેમ પ્રકરણમાં નાસીપાસ અને પરિવાર સહમતી નહી આપે તેવા ડર સાથે પણ સજોડે જીવનનો અંત આણતા હોય છે.