ગુજરાતમાં લાંબા સમય પછી જંત્રીના વધારેલા દર લાગુ કરવામાં આવ્યા છે ત્યારે નવી જંત્રીના અમલની સાથે સાથે સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન તંત્ર દ્વારા દસ્તાવેજોની જંત્રી દર માટે કેટલીક સ્પષ્ટતાઓ કરી છે.અમરેલી સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્ર, નાયબ કલેકટર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.તા.15 એપ્રિલ-2023 કે તે પછી નોંધણી માટે રજૂ થતો દસ્તાવેજ તા.15 એપ્રિલ-2023થી પહેલાં કરી આપવામાં આવ્યો હશે એટલે કે દસ્તાવેજમાં તા.15 એપ્રિલ-2023 પહેલાં (તા.14 એપ્રિલ-2023 સુધીમાં) પક્ષકારોની સહી થઈ નોંધણી માટે તૈયાર હશે અને આવા દસ્તાવેજ ઉપર પક્ષકારીની સહી થયાની તારીખ પહેલાં અથવા સહી થયાની તારીખના પછીના તરતનાં કામકાજના દિવસ સુધીમાં જરુરી હોય તે રકમનો પૂરેપૂરો સ્ટેમ્પ લગાડવામાં આવ્યો હશે, તો આવો દસ્તાવેજ સહી કર્યાની તારીખથી ચાર માસમાં નોંધણી માટે રજૂ થશે તો આ પ્રકારના દસ્તાવેજમાં તા.15 એપ્રિલ, 2023થી વધારેલ જંત્રી ભાવ લાગુ પડશે નહીં.
પરંતુ તે પહેલાંના ભાવ વધારા સિવાયના અમલી જંત્રી ભાવ (જૂની જંત્રીના ભાવ) મુજબ દસ્તાવેજમાં મિલકતની બજાર કિંમત તથા સ્ટેમ્પ ડ્યુટી ગણવામાં આવશે.વધુમાં તા.15 એપ્રિલ-2023 પહેલાં સહી થયેલા અને યોગ્ય સ્ટેમ્પ વાપરેલા લેખ તા.15 એપ્રિલ- 2023 થી ચાર માસ એટલે કે તા.14 ઓગસ્ટ-2023 સુધી દસ્તાવેજની નોંધણી કરાવવામાં આવશે તો જૂની જંત્રીનો લાભ આપવામાં આવશે. જે ચાર માસની સમય મર્યાદા પૂર્ણ થવામાં થોડાક જ દિવસ બાકી છે.
આથી, જેના દસ્તાવેજમાં તા.15 એપ્રિલ-2023 પહેલાં મત્તુ થયેલ હોય અને યોગ્ય સ્ટેમ્પ વાપરેલ હોય તેવા લેખો નોંધણી અધિનિયમ મુજબ ચાર માસની સમયમર્યાદામાં તા.14/08/2023 સુધી નોંધણી કરાવી લેવા જાહેર જનતાને જણાવવામાં આવ્યું છે. જે પક્ષકારોને કોઈ પણ કારણોસર દસ્તાવેજ નોંધણી કરાવવાની ન હોઈ અથવા સ્ટેમ્પનો ઉપયોગ કરવાનો ન હોય તો, સ્ટેમ્પ ખરીદ્યા તારીખથી છ માસની સમય મર્યાદામાં રિફંડ માટે સક્ષમ અધિકારીશ્રીને અરજી કરવાની રહેશે, તેમ અમરેલી સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્રના નાયબ કલેક્ટરએ એક યાદીમાં જણાવ્યું છે….