ડીવાયએસપી દેસાઈને એસપીનો ચાર્જ સોંપાતા ૨૦૦થી વધુ શંકાસ્પદ પોલીસ જવાનોની બદલીનો ઘાણવો ઉતાર્યો: જિલ્લાની તમામ ગતિવિધિઓ પર તંત્રની બાજ નજર.
સમગ્ર અમરેલી જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અસામાજીકોના ઘુંટણીયે પડી ગઈ હોવાનું આ જિલ્લામાં વસતા અંદાજે ૧૦ લાખથી વધુ લોકો અનુભવી રહ્યા છે.
જિલ્લાભરમાં ચાલતી અસામાજીક પ્રવૃતિઓ જેવી કે જુગારની કલબો, વરલી મટકાના હાટડાઓ, દેશી-વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ, લુખ્ખાઓ અને રોમીયોગીરી કરવાવાળાની બેરોકટોક પ્રવૃતિઓ, અસામાજીકોના સીન સપાટા જાણે કે આ જિલ્લામાં પોલીસનું કોઈ અસ્તિત્વ જ ન રહ્યું હોય તેવું વાતાવરણ જિલ્લાભરમાં જોવા મળી રહ્યું હતું પરંતુ ડીવાયએસપીને એસપીનો ચાર્જ સોંપાતા તેઓએ ૨૦૦ પોલીસ જવાનોની બદલીનો ઘાણવો ઉતાર્યો છે. હાલ પોલીસની કામગીરી ત્વરીત જોવા મળી છે. જેથી જિલ્લાની પરિસ્થિતિ સુધરવાને આરે હોય તેવુ લાગી રહ્યું છે.
અમરેલી જિલ્લાની છેલ્લા ૨ વર્ષની સ્થિતિ જોવા જઈએ તો પોલીસ બેડામાં પોલીસકર્મીઓ કે અધિકારીઓએ પોતાની મન પસંદ પોલીસ સ્ટેશનમાં જવા માટે મોટી રકમનો વહિવટ કરવો પડતો, જિલ્લાભરમાં કયાં બુટલેગરને કયો ધંધો કઈ શરતે આપવો તે જિલ્લાના અધિકારીઓ નકકી કરતા, જિલ્લાના ૧૧ પોલીસ સ્ટેશનમાં કયા બુટલેગરને કર્યો ધંધો અપાયો છે તેની જાણ ઉચ્ચકક્ષાએથી થતી, જે તે પોલીસ સ્ટેશનના સ્થાનિક અધિકારીને ઉચ્ચકક્ષાએથી લેવાયેલો નિર્ણય મને કમને માન્ય રાખવો પડતો, પરિસ્થિતિ જિલ્લાભરમાં નિર્માણ પામી કે સ્થાનિક પોલીસનું અસામાજીકો સામે કોઈ પ્રભુત્વ જ રહ્યું ન હતું.
બિટકોઈન કૌભાંડના પર્દાફાશ બાદ એલસીબી અને એસઓજી જેવી મહત્વની જિલ્લાની બ્રાન્ચોને વિખેરી દેવામાં આવી અને અંદાજે ૨૦૦થી પણ વધુ અને જે-તે પોલીસ સ્ટેશન કે ડિવીઝનમાં વર્ષોથી ફરજ બજાવતા પોલીસ કર્મીઓની બદલીનો ઘાણવો નિકળી ગયો અને હજુ પણ ભ્રષ્ટ કર્મચારી-અધિકારીઓને બદલવાની તજવીજ ચાલી રહી છે. અત્યારે અમરેલી જિલ્લાના કથળેલા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરે તે માટે આ જિલ્લાના આ સંવેદનશીલ પ્રશ્ર્ને ગાંધીનગરથી ગૃહવિભાગમાંથી સીધે સીધી દેખરેખ રાખવામાં આવી રહી છે.
ભાવનગર રેન્જના ડીઆઈજી અમિત વિશ્ર્વકર્મા પણ અમરેલી આવી પોલીસદળ અને તેની કામગીરી, લોકોમાં સુખ-શાંતી સ્થપાય અને અસામાજીક સીધા ઘેર થાય તે માટે સતત પ્રયત્નશીલ હોવાનું પણ તેમની વારંવાર અમરેલીની મુલાકાતથી ફલિત થાય છે.
બિટકોઈન પ્રકરણમાં આ જિલ્લાના ક્રાઈમ બ્રાંચના વહિવટી પી.આઈ અનંત પટેલ અને એસ.પી.જગદીશ પટેલની સંડોવણી બહાર આવ્યા પછી તેમની થયેલી ધરપકડ અને સસ્પેન્શનના હુકમ પછી આ જિલ્લામાં ફરજ નિષ્ઠા સાથે પોલીસની ફરજ બજાવી રહેલા જિલ્લાભરનાં જે-તે તાલુકા, આઉટપોસ્ટ પી.આઈની પોસ્ટ ધરાવતા પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા અધિકારીઓ અને પ્રામાણિકપણે ફરજ બજાવતા પોલીસ કર્મીઓએ ભ્રષ્ટ વહિવટથી હાહાકારો અનુભવ્યો છે અને આવા સમાજ, દેશ અને સરકારને લાંછન લગાડનારા પોલીસ અધિકારીઓ વ્હેલા વ્હેલા જેલ ભેગા થાય અને એક ભ્રષ્ટ અને પ્રામાણિકતાનો દાખલો ગુજરાતમાં બને તેવી લાગણી અનુભવી રહ્યા છે.
બિટકોઈન પ્રકરણમાં પ્રથમ એલસીબીના બે કર્મચારીઓની ધરપકડ થઈ બાદમાં ક્રાઈમ બ્રાંચના પી.આઈ અનંત પટેલની અને ત્યારબાદ રાજય સરકારમાં ઉચ્ચ લેવલે લાગવગ અને વહિવટ ધરાવતા એસ.પી. જગદીશ પટેલની ત્યારબાદ અમરેલી જિલ્લાના ઈન્ચાર્જ એસ.પી. તરીકેનો ચાર્જ ફરજનિષ્ઠ, ઓનેસ્ટ અને સ્વાભિમાને ખાખી વર્દીની ગરીમા જળવાઈ રહે તે હેતુથી જ પોલીસ દળમાં જોડાયેલા અમરેલીના ડીવાયએસપી બી.એમ.દેસાઈને ચાર્જ સોંપાયો.
અગાઉના ભ્રષ્ટ વહિવટથી નારાજ અને મૌન સેવી ગયેલા આ અધિકારીને એસ.પી.નો ચાર્જ મળતાની સાથે જ તેમણે ૨૦૦થી વધુ શંકાસ્પદ અને એકની એક જગ્યાએ ફરજ બજાવતા રેઈડ લાઈટમાં આવતા પોલીસ કર્મીઓની તાત્કાલિક અસરથી અને અનેકવિધ મહાનુભાવોની ભલામણ પછી પણ બદલી કરી જિલ્લામાં બે જવાબદાર બનેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પ્રજા વિભુખ નહીં બલકે પ્રજામુખ બનાવવાનો નિર્ધાર જાહેર કરી દીધો છે. જિલ્લાભરની ૧૦ થી ૧૨ લાખની આમ પ્રજા એવું ઈચ્છે છે કે દેસાઈને જો ઈન્ચાર્જ એસ.પી.તરીકે છ માસ જેટલો સમય મળે તો આ જિલ્લાની સ્થિતિ સુધરી જશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com