વડીયાના લોથધારના શિક્ષકના મકાનમાંથી રૂ.૧.૯૮ લાખ, સાવર કુંડલાના ભમર ગામના મંદિરમાંથી રૂ.૮૮ હજારના આભૂષણ અને બાબરામાં રૂ.૫૭ હજારની મત્તાની ચોરી
અમરેલી જિલ્લાના વડીયાના લોથધાર, સાવર કુંડલાના ભમર અને બાબરામાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી પોલીસની આબરૂના ધજીયા ઉડાડી રૂ.૩.૪૧ લાખની મત્તાનો હાથફેરો કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
વડીયા તાલુકાના લોથધાર ગામે રહેતા શિક્ષક નરેશભાઇ બાબુભાઇ ગજેરા વેકેશન હોવાથી પોતાના વતન ગયા હોવાથી બંધ રહેલા મકાનના તસ્કરોએ તાળા નકુચા તોડી તિજોરીમાંથી રોકડ અને સોના-ચાંદીના ઘરેણા મળી રૂ.૧.૯૮ લાખની મત્તા ચોરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
જ્યારે સાવર કુંડલા નજીક આવેલા ભમર ગામે વનાળા આશ્રમમે ગતરાતે તસ્કરો ત્રાટકી મંદિરમાંથી રૂ.૮૮ હજારની કિંમતના ત્રણ કિલો ચાંદીના આભૂષણ ચોરી ગયાની ગોપાલભાઇ બાબુભાઇ દાણીધારીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
બાબરાની સિધ્ધી વિનાયક સોસાયટીમાં રહેતી પ્રભાબેન ર્મેશભાઇ દવે પિયર ગયા હતા અને તેમના પતિ રમેશભાઇ દવે પરિક્રમા કરવા ગયા હોવાથી બંધ રહેલા મકાનના દરવાજાના તાળા તોડી તસ્કરો તિજોરીમાંથી સોના-ચાંદીના ઘરેણા અને બાઇક મળી રૂ.૫૭ હજારની મત્તા ચોરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.