જિલ્લામાં કુલ પાંચ વિધાનસભા બેઠકો પૈકી સૌથી મોટી બેઠક અમરેલી, કુલ 2.83 લાખ મતદારો
સામાન્ય ચૂંટણી-2022 અન્વયે આદર્શ આચારસંહિતા અમલી છે. અમરેલી જિલ્લામાં મતદાન તા.01 ડિસેમ્બર,2022ના રોજ યોજાશે. જિલ્લાના નાગરિકો અને મીડિયાને જિલ્લાની ચૂંટણીલક્ષી સચોટ માહિતી મળી રહે તેવા ઉમદા હેતુથી અમરેલી જિલ્લા માહિતી કચેરી અને ચૂંટણી તંત્ર દ્વારા મીડિયા સેન્ટર શરુ કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર ની કચેરી ખાતેના આ મીડિયા સેન્ટરને જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
આ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, જિલ્લા ચૂંટણીતંત્ર અને જિલ્લા માહિતી કચેરી-અમરેલી દ્વારા સંયુક્ત રીતે મળીને આ મીડિયા સેન્ટર બનાવવામાં આવ્યું છે,જેમાં વિવિધ પ્રકારની જિલ્લાની ચૂંટણીલક્ષી માહિતીને બેનરના માધ્યમથી નિદર્શિત કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં કુલ 05 વિધાનસભા બેઠકો છે. જિલ્લાના મતદારોની દૃષ્ટિએ સૌથી મોટી બેઠક અમરેલી વિધાનસભા મતવિસ્તાર છે.
આ બેઠક પર, 2,83,739 મતદારો નોંધાયા છે. મતદારોની સંખ્યાની દૃષ્ટીએ સૌથી નાની બેઠક ધારી વિધાનસભા છે.
આ વિધાનસભા મતવિસ્તારમાં કુલ 2,22,987 મતદારો નોંધાયા છે. આ મીડિયા સેન્ટરમાં ચૂંટણીલક્ષી ફરિયાદની વેબસાઈટ, સોશિયલ મીડિયાની વિગતો, તેમજ ટોલ ફ્રી નંબર પણ આપવામાં આવ્યા છે. મતદાર યાદી સંબંધિત હેલ્પલાઈન નંબર 1950 છે, ચૂંટણી ખર્ચને લગતી ફરિયાદ માટેનો ટોલ ફ્રી નં. 1800 233 2892 ઉપરાંત 2011ની વસતિ ગણતરીની દૃષ્ટીએ જિલ્લાની વસતિ 15,14,190 છે. જિલ્લાનો સેક્સ રેશિયો 964 છે, જ્યારે સાક્ષરતાનો દર 74.25 છે. આ મીડિયા સેન્ટરમાં પ્રત્યેક વિધાનસભાની પુરુષ અને મહિલાઓની વસતિ, જેન્ડર રેશિયો, ઈ.પી. રેશિયો સહિતની જરૂરી વિગતો આપવામાં આવી છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવ, નિવાસી અધિક કલેક્ટર રવિન્દ્રસિંહ વાળા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પટણી અને નાયબ માહિતી નિયામક ,અમરેલી સહિત અમરેલીના પત્રકારોએ આ મીડિયા સેન્ટરમાં પ્રદર્શિત કરવામાં આવેલી માહિતીનું નિદર્શન કર્યું હતું.
ઓછુ મતદાન હોય ત્યાં સઘન મતદાતા જાગૃતિ અભિયાન
વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 છે ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા ’અવસર લોકશાહીનો’ અભિયાન શરુ કરવામાં આવ્યો છે. જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદારોમાં જાગૃત્તિ આવે તે ઉમદા આશયથી ખશતતશજ્ઞક્ષ 2022 શરુ છે. આ અભિયાન હેઠળ અમરેલી જિલ્લાના ઓછું મતદાન ધરાવતા હોય તેવા વિસ્તારના મતદાન મથકો પસંદ કરવામાં આવ્યા છે. અમરેલી જિલ્લાના ઓછું મતદાન ધરાવતા મતદાન મથક વિસ્તારમાં “અવસર રથ”ના માધ્યમથી “ચાલો મતદાન કરીએ” મતદાર જાગૃત્તિનો સંદેશ પહોંચાડવામાં આવે છે.
જિલ્લા ચૂંટણી અધિકારીના હસ્તે ’હું મત આપીશ’ સિગ્નેચર કેમ્પેઇનનો પ્રારંભ
આગામી તા.1 ડિસેમ્બરના રોજ યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણના મતદાનમાં સમાવિષ્ટ અમરેલી જિલ્લાના મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરે અને મતદાનમાં અવશ્ય ભાગ લેવા તેવા ઉદ્દેશ્યથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ’સિગ્નેચર કેમ્પેઈન’ શરુ કરવામાં આવ્યું છે. આજે અમરેલી સ્થિત જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની પ્રેરક ઉપસ્થિતમાં જિલ્લા ચૂંટણી તંત્ર અને જિલ્લા માહિતી કચેરી દ્વારા તૈયાર કરવામાં આવેલા મીડિયા સેન્ટર ખાતે ’હું મત આપીશ’ સિગ્નેચર કેમ્પેઇનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મતદાન કરવાની શપથ લેતા જિલ્લા ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણાએ અમરેલી જિલ્લાના મતદારોને સો ટકા મતદાન કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યુ કે, કલેક્ટર કચેરીએ આવતા અરજદારો આ સાઈનબોર્ડ પર સિગ્નેચર કરી અને મતદાન કરવાનો શપથ લે, જિલ્લાના મતદારો ઉત્સાહપૂર્ક મતદાન કરે અને મતદાનની જાગૃત્તિ પ્રસરાય તેવા હેતુથી આ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. આ તકે જિલ્લા ચૂંટણી ખર્ચ નિંયત્રણ અધિકારી -વ- જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવ, અધિક જિલ્લા કલેક્ટરરવિન્દ્રસિંહ વાળા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વિજય પટ્ટણી, નોડલ અધિકારી સુશ્રી પૂજા જોટાણીયા, એમ.સી.એમ.સી. નોડલ અધિકારી ડો.દિવ્યા છાટબાર અને જિલ્લાના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતીનીધી ઓ દ્વારા સિગ્નેચર બોર્ડમાં સિગ્નેચર કરી અને મતદાન કરવાના શપથ લેવામાં આવ્યા હતા.
“અવસર” અભિયાન અંતર્ગત “ભૂલશો નહીં” બેનર લગાવી મતદાન જાગૃત્તિ કરવામાં આવી
અમરેલી જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તારમાં વધુમાં વધુ મતદાન થાય તે હેતુથી SVEEP અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ શરુ છે. જિલ્લાની વિવિધ કચેરી, બસ સ્ટેશન, પોલીસ સ્ટેશન સહિતની જાહેર જગ્યાઓ અને વધુમાં વધુ લોકોની અવરજવર થતી હોય તેવા સ્થળો અને જાહેર રસ્તાઓ પર “અવસર” અભિયાન અંતર્ગત “ભૂલશો નહીં” ટીઝર દર્શાવતા બેનર લગાવી મતદાન જાગૃત્તિ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી છે.