દામનગર, નટવરલાલ ભાટિયા:
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારમાં નવનિયુક્ત મંત્રીઓ સૌરાષ્ટ્ર- ગુજરાતમાં જન આશિર્વાદ યાત્રા થકી ભારતના ભવ્ય વિકાસની આછેરી ઝલક જન-જન સુધી સુધી પહોંચાડવા પ્રવાસ કરી રહયા છે. દરેક જીલ્લામાં જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજરોજ અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં જન આશીર્વાદ યાત્રામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ રસાયણ અને ખાતરના કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાનું આગમન થયું હતું.
ધારીના પ્રેમપરા તેમજ ધારી સિવિલ હોસ્પિટલમાં વેક્સિન કાર્યક્રમમાં પણ કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયા ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં ડોક્ટરો સાથે બેઠક યોજી હતી. ધારી માર્કેટિંગ યાર્ડ ખાતે નાની બાળાઓએ કુમકુમ તિલક કરી સત્કાર કર્યો હતો. આ બાદ મંત્રી મનસુખ માંડવિયાએ જાહેર સભાને સંબોધી ધારી પટેલ વાડી ખાતે પટેલ સમાજના અગ્રણીઓ સાથે પણ બેઠક યોજી હતી.
ત્યારબાદ જન આશીર્વાદ યાત્રાએ ચલાલા તરફ પ્રસ્થાન કર્યું હતું. આ તકે અમરેલી જિલ્લા સાંસદ નારણભાઈ કાછડીયા, ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, અમરેલી ભાજપ ધારી, બગસરા ધારાસભ્ય તેમજ તાલુકા ભાજપ અગ્રણીઓ અને સ્થાનિક હોદેદારો ઉપરાંત કાર્યકરોની વિશાળ ઉપસ્થિતિ જોવા મળી હતી.